વડોદરામાં આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મેરેથોન દોડના ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હોઇ તેને ધ્યાનમાં રાખી શહેર કોંગ્રેસ દ્વારા લાલબાગ ઓવરબ્રિજના મુદ્દે ગાંધીનગર ગૃહ ખાતે સવારે ૬ થી ૮ દરમિયાન ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોલીસ તંત્રે આ કાર્યક્રમ યોજવા માટેની પરવાનગી આપી હોવા છતાં પોલીસે ધરણાં પર બેઠેલા શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત, ઋત્વિજ જોશી, નરેન્દ્ર જયસ્વાલ અને ધર્મેશ ચૌહાણ સહિત ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
અટકાયત કરેલા કાર્યકરોને રાવપુરા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મોદી વડોદરાથી રવાના થયા બાદ કોંગી કાર્યકરોનો છુટકારો થયો હતો.
કોંગ્રેસ દ્વારા લાલબાગ ઓવરબ્રિજની ખામીયુક્ત ડિઝાઈનના મુદ્દે છેલ્લા એક સપ્તાહથી આંદોલન ચલાવાઇ રહ્યું છે. આજે મુખ્યમંત્રી મોદી વડોદરામાં હોઇ લાલબાગ ઓવરબ્રિજના મુદ્દે તેમનું ધ્યાન દોરવા કોંગ્રેસે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો.