મતદાન માટે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોનો ધસારો
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના અંદાજે ૧૫૦ થી વધુ સંતો આજે વિધાનસભાની ચૂંટણી માટે સ્વયંભૂ રીતે મતદાન મથક ખાતે ઉમટી પડતાં મતદાન મથક ખાતે સંતોની કતાર જોવા મળી હતી. સંતોએ મતદાન માટે દાખવેલા અભૂતપૂર્વ ઉત્સાહને લઇ ગામના મતદારોનો ઉત્સાહ પણ બેવડાયો હતો.
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક હેઠળ આવતા સોખડા ગામ સ્થિત પૂ.હરિપ્રસાદ સ્વામી સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરના ૧૫૦ થી વધુ સંતો આજે સવારે મંદિરમાં પૂજન-અર્ચન અને સત્સંગ કાર્યક્રમ આટોપી સીધા જ મતદાન મથક ખાતે સમૂહમાં જઇ પહોંચ્યા હતા. સંતોએ સોખડા ગામની શાળાના બુથ ઉપર શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી વારાફરતી મતદાન કરીને મતદાર તરીકેની પવિત્ર ફરજ અદા કરી હતી. વડોદરા જિલ્લામાં આવેલી વિધાનસભાની ૮ બેઠકો હેઠળના ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારે ૮ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ગ્રામીણ મતદારો ઉમળકાભેર મતદાન કરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લાની કરજણ બેઠક હેઠળ આવતા કાયાવરોહણ અને સાધલી ગામોના મતદાન મથકો ખાતે મતદાન માટે પુરુષ અને સ્ત્રી મતદારોની લાંબી કતારો નજરે પડી હતી. ગ્રામીણ વિસ્તારોમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અંદાજે ૪૦ ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલો સાંપડ્યા છે. ગ્રામીણ મતદારોએ સવારના ૩ કલાકમાં મતદાન માટે રસ દાખવ્યો હતો. વડોદરાની વધુ તસવીરો નિહાળવા ફોટો સ્ક્રોલ કરો. તસવીરો: પ્રણય શાહ, વડોદરા






