- ગાડી લઇને આંટો મારવા નિકળેલ યુવાને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત
- પિતાની લારી પર ગાડી મૂકીને ગયેલ ગ્રાહકની ગાડી લઇને આ કીશોર આંટો મારવા નિકળ્યો હતો
વાઘોડિયા ચોકડી પાસે અડધી રાતે બીજાની ગાડી લઇને આંટો મારવા નીકળેલા ૧૪ વર્ષના કિશોરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ફૂટપાથ પરથી પસાર થઈ રહેલા યુવકને અડફેટે લેતાં તનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગે કિશનવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ખટંબા ગામે રહેતા અને વાઘોડિયા ચોકડી પાસે જમવાનું બનાવવાની લારી ચલાવતા વિજયસિંહ માત્રેજાને ત્યાં શુક્રવારે રાતે તેમના કોઇ ઓળખીતા ક્વોલીસ ગાડી અને તેની ચાવી મૂકીને ગયા હતા. દરમિયાન વિજયસિંહનો ૧૪ વર્ષિય દિકરો કુણાલ ત્યાં આવ્યો હતો. અને એણે પિતા પાસેથી ગાડીની ચાવી માંગી આંટો મારી આવું છું એમ કહ્યું હતું.
કુણાલ છોટા હાથી જેવી નાની ગાડીઓ ચલાવતો હતો. તેથી આવી મોટી ગાડી જોઇ તેને ચલાવવાની ઇચ્છા થઇ. અને પિતા પાસેથી ચાવી લઇ લગભગ પોણા ચાર વાગ્યાના સુમારે તે આંટો મારવા નિકળ્યો હતો. તે વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થતો હતો તે સમયે બ્રીજ પાસે અચાનક તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ફૂટપાથ પર ચઢી ગઇ હતી.
આ જ ફૂટપાથ પર ૩૫ વાઘોડિયા રોડ વૈકુંઠ નગરમાં રહેતો ૩૫ વર્ષિય સંજય સનાભાઇ પટેલ પસાર થઇ રહ્યો હતો અને કુણાલની કાબૂ ગુમાવેલી અને પૂર ઝડપે આવતી ક્વોલીસે સંજયને અડફટે લેતા તનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કિશનવાડી પોલીસે કુણાલની ધરપકડ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પી એમ માટે સયાજીસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.