- ૧૩મીએ કારેલીબાગની સરદાર વિનય મંદિર સ્કૂલ તથા ૧૪મીએ બ્રાઇટ સ્કૂલ, અમિત કોમ્પ્લેકસ ખાતે કાર્યક્રમ યોજાશે
- ‘દિવ્ય ભાસ્કર’ આયોજિત પરીક્ષામંત્રમાં શિક્ષણવિદ્દો, મનોચિકિત્સકો માર્ગદર્શન આપશે
આગામી મહિનાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની લેવાનાર બોર્ડ પરીક્ષા પૂર્વે જ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને પરીક્ષાલક્ષી કોઇપણ મૂંઝવણ તથા સમસ્યાનું સમાધાન કરવા માટે દિવ્ય ભાસ્કરે ૧૩મી ફેબ્રુઆરી તથા ૧૪મી ફેબ્રુઆરીના રોજ પરીક્ષામંત્ર નામનો કારકિર્દી માર્ગદર્શનનો જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું છે.
ગત વર્ર્ષે પણ ‘દિવ્ય ભાસ્કરે’ શહેર-જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને માર્ગદર્શન આપવા માટે પરીક્ષામંત્રનો સફળતાપૂર્વક કાર્યક્રમ યોજયો હતો. ગત વર્ષની સફળતા બાદ ચાલુ વર્ષે દિવ્ય ભાસ્કરે પુન: પરીક્ષામંત્ર કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે. જેમાં ૧૩મી ફેબ્રુઆરીના રોજ શહેરના કારેલીબાગની સરદાર વિનય મંદિર સ્કૂલમાં સવારે ૧૦ થી ૧૨ દરમિયાન પરીક્ષામંત્રનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. પરીક્ષામંત્રના કાર્યક્રમમાં વડોદરા શહેર આચાર્ય સંઘના મહામંત્રી આર.પી.જૈન, કારેલીબાગની જયઅંબે વિદ્યાલયના આચાર્ય પરેશ શાહ તથા કાઉન્સિલર પ્રો. ભદ્રેશ શાહ વિદ્યાર્થી-વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના જવાબ સાથે સચોટ માર્ગદર્શન આપશે.
૧૪મી ફેબ્રુઆરીના રોજ કારેલીબાગના વીઆઇપીરોડ-અમિત કોમ્પ્લેકસ પાસે આવેલ બ્રાઇટ સ્કૂલમાં સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ વાગે શહેર-જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને મૂંઝવતા પ્રશ્નો, એકઝામ ફોબિયા, માર્ક્સને લઇને વિદ્યાર્થી-વાલીઓનો ડર તથા કારકિર્દી ઘડતર માટેનું સચોટ માર્ગદર્શન અપાશે. માર્ગદર્શન આપવા માટે શહેરના જાણીતા મનોચિકિત્સક ડૉ.યોગેશ પટેલ, મહારાણી કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય તથા હાલના એડમિનિસ્ટ્રેટર રેખાબહેન દેસાઇ તેમજ કારેલીબાગની સરદાર વિનય મંદિર સ્કૂલના આચાર્ય અને યુનિ.ના સેનેટ સભ્ય ડૉ. કમલ શાહ વિશેષ ઉપસ્થિત રહેશે.