વડોદરા સેવાસદનના ભાજપના શાસકો સામે કલાલી ઝૂંપડપટ્ટી અને લાલબાગ ઓવરબ્રિજના મુદ્દે બાંયો ચઢાવનાર વિપક્ષી નેતાના માંજલપુર સ્થિત બે પાર્ટી પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું જણાવી તેને તોડી પાડવા અંગેની નોટિસ આજે અપાતાં ચકચાર મચી ગઇ છે.
વડોદરા સેવાસદનના સત્તાધીશોએ આજે માંજલપુર વિસ્તારમાં આવેલા વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના બાલાજી પાર્ટી પ્લોટ અને મહાલક્ષ્મી પાર્ટી પ્લોટને નોટિસ આપવાની કાર્યવાહી કરી હતી.
નોટિસ બંને પાર્ટી પ્લોટના પ્રવેશ દ્વાર પાસે ચોંટાડવામાં આવી હતી. નોટિસમાં પાર્ટી પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું જણાવી આ ગેરકાયદે બાંધકામ ૭ દિવસની મુદતમાં તોડી પાડવાનો આદેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષી નેતાએ સેવાસદનના ભાજપના શાસકો સામે કલાલી ઝૂંપડપટ્ટી, લાલબાગ ઓવરબ્રિજ તેમજ ભાજપ શાસનમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે જંગ છેડ્યો છે.
આ જંગની સામે ભાજપે આજે વળતા જવાબના ભાગરૂપે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના પાર્ટી પ્લોટને નોટિસ ફટકારતાં શહેરમાં રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે. એટલું જ નહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આગામી દિવસોમાં રાજકીય યુદ્ધ શરૂ થાય તેવી શક્યતાએ જોર પકડ્યું છે. જેના ઉગ્ર પડઘા પડે તેમ માનવામાં આવી રહ્યું છે.
રજાના દિવસે નોટિસ અપાતાં આશ્ચર્ય
રજાના દિવસે કોઇ કામગીરી કરવાનું કહેવામાં આવે ત્યારે સેવાસદનના અધિકારીઓ રજાનું બહાનું આગળ ધરે છે. પરંતુ આજે બીજા શનિવારની રજા સેવાસદનમાં હોવા છતાં સેવાસદનના સત્તાધીશોએ રજાના દિવસે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના પાર્ટી પ્લોટને નોટિસ આપવાની કાર્યવાહી કરતાં આશ્ચર્ય સર્જાયું છે.
કાર્યવાહી રાજકીય વેરની વસૂલાત
ભાજપના શાસકોના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો તેના પરિણામ સ્વરૂપે આજે મારા પાર્ટી પ્લોટને નોટિસ આપવામાં આવી છે. શહેરમાં અસંખ્ય પાર્ટી પ્લોટમાં બાંધકામ થયેલાં છે, ભાજપના અસંખ્ય આગેવાનોની માલિકીની સ્કૂલોમાં ગેરકાયદે બાંધકામ થયેલાં છે. તેમને કેમ નોટિસ અપાતી નથી? હું ભાજપની આ પ્રકારની દાદાગીરીથી ગભરાતો નથી, ભાજપ સામેની મારી લડત જારી રાખીશ...
- ચિન્નમ ગાંધી, વિપક્ષી નેતા
ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો છે
વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના વ્યવસાયના સ્થળે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા નોટિસ આપવાનો પ્રયત્ન ભાજપના શાસકોની ગંદી રાજનીતિનો પુરાવો છે. આ રાજકારણમાં શોભાસ્પદ નથી. આજે રજાના દિવસે ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાને બદનામ કરવા કરેલા કૃત્ય બાબતે કોંગ્રેસ ગંભીરતાથી વિચારીને પગલાં લેશે એ નિશ્વિત છે. એટલું જ નહીં ભાજપની આ પ્રકારની ધમકીઓથી ડર્યા વગર કોંગ્રેસ લાલબાગ ઓવરબ્રિજના મુદ્દે જન આંદોલન ચાલુ રાખશે જ.
- નરેન્દ્ર રાવત, પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિ