શહેરમાં ૧૨ કલાકમાં જ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ સગભૉ સહિત કુલ ત્રણના મોત નિપજ્યા હતા. જેને પગલે ફરી એકવાર તંત્ર દોડતું થઇ ગયું હતું. પ્રાપ્તવિગતો અનુસાર શહેરના ગોરવા વિસ્તારની શિવશક્તિ સોસાયટી ખાતે રહેતી ૨૪ વર્ષીય પરણિતા છાયા બહેનને ગત ૨૨મી તારીખે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ માટે દાખલ કરવામાં આવી હતી.
જ્યાં ૨૩મી તારીખે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાનમાં જ મહિલાએ મેડિકલ નર્સિંગ હોમ ખાતે રક્ષાબંધનના દિવસે બાળકીને જન્મ આપ્યો હતો. જો કે પ્રસુતિ બાદ તેની તબીયત વધુ લથડી હતી. બુધવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
બીજા કિસ્સામાં ભરૂચ જિલ્લાના આમોદના ધોરા ગામે રહેતાં ૩૨ વર્ષીય હર્મિષ શાંતિલાલ પટેલને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા તેને ગત ૨૧મી તારીખે શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બીજા દિવસે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે સાંજે તેનું મોત નિપજ્યું હતું.
ત્રીજા કિસ્સામાં શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતાં ૨૨ વર્ષીય પાર્વતીબહેન વિનોદગિરી ગોસાઇને ૩૦મી તારીખે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને સ્વાઇન ફ્લૂની અસર દેખાતા તેના લોહી અને લાળના નમૂના પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. પાર્વતીને સાત માસનો ગર્ભ હતો. જ્યાં હજી ગઇ કાલે જ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે સાંજે જ તેનું મોત નિપજ્યું હતું.
વેન્ટિલેટર બંધ થતા મહિલાની તબિયત લથડી હતી
સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી ગોરવાની પરણિતા છાયા બહેનનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રક્ષાબંધનના દિવસે મહિલાને પ્રસુતિ થતાં બાળા જન્મી હતી. પ્રસુતિ બાદ મહિલાને વેન્ટીલેટર પર રખાઇ હતી. બે દિવસ અગાઉ સયાજીમાં થયેલા વીજ ધાંધિયામાં પુરવઠો ખોરવાયા બાદ વેિન્ટલેટર બંધ પડી જતાં મહિલાની તબીયત વધુ લથડી હતી. જે બાદ મંગળવારે તેનું મોત થયું હતું.