છેલ્લા દશ વર્ષ ઉપરાંતના સમયથી વેરાની રકમનુ ચૂકવણું ન કરનારા બાકીદારો સામે વોરંટ ઇસ્યુ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મહાનગર સેવાસદનના ડેપ્યુટી કમિશનર એ ઓ શર્માના અધ્યક્ષપદ હેઠળ રેવન્યૂ વસૂલાત વધારવા માટે સમીક્ષા કરવા માટે આજે બેઠક બોલાવવામાં આવી હતી.
જેમાં સને ૨૦૧૦-૧૧ની સાલમાં વેરા પેટે બાકી રકમ રૂ.૧૮૮.૫૨ કરોડ પૈકી પૂર્વ ઝોનની રૂ.૩૭.૫૬ કરોડ, પશ્ચિમ ઝોનની રૂ.૫૫.૯૬ કરોડ, ઉત્તર ઝોનની રૂ.૫૨.૭૬ કરોડ અને દક્ષિણ ઝોનની રૂ.૪૨.૨૪ કરોડની વસૂલાત કરવા સમીક્ષા કરવામાં આવી હતી.
જેમાં, ઝોન દીઠ અપાયેલા લક્ષ્યાંક મુજબ વસૂલાત નહીં થતાં સંબંધિત અધિકારીઓને વસૂલાત કરવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. ચાલુ નાણાંકીય વર્ષ એપ્રિલ થી ઓગષ્ટ સુધીના પાંચ મહિનામાં ૮.૨૭ કરોડની વસૂલાત સાથે કુલ ૧૨૨.૫૩ કરોડ રૂની આવક જમા થઇ હતી.
તા.૧ સપ્ટેમ્બરના રોજ વેરા પેટે બાકી રૂ.૧૮૬.૫૭ કરોડ પૈકી પૂર્વ ઝોનની બાકી રૂ.૩૭.૧૭ કરોડ, પશ્ચિમ ઝોનની રૂ.૫૫.૩૭ કરોડ, ઉત્તર ઝોનની રૂ.૫૨.૧૭ કરોડ અને દક્ષિણ ઝોનની રૂ.૪૧.૮૬ કરોડની વસૂલાત કરવા માટે કડક સૂચના જારી કરવામાં આવી હતી. એટલુ જ નહીં, સપ્ટેમ્બર મહિના માટે પૂર્વ ઝોનને રૂ.૨.૦૫ કરોડ, પશ્ચિમ ઝોનને રૂ.૪.૦૭ કરોડ, ઉત્તર ઝોનને રૂ.૩.૩૩ કરોડ અન દક્ષિણ ઝોનને રૂ.૨.૯૩ કરોડ મળી કુલ ૧૨.૩૮ કરોડના વેરા વસૂલાતનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
છેલ્લા દશ વર્ષં ઉપરાંતના સમયથી એટલે કે ભાડા આકારણી પદ્ધતિની અને ક્ષેત્રફળ આધારિત વેરાની રકમ ભરી નથી તેવા મોટા કરદાતાઓને તુરત જ વોરંટ બજાવવાની કાયઁવાહી શરૂ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. પગારદાર-વેતનદાર સિવાયના વ્યવસાયિઓ માટે પ્રોફેશનલ ટેક્સ ભરવાની મુદત તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ રહી છે.