- કોચી ખાતે યોજાયેલાં પ્રવાસી ભારતીય દિનના ગુજરાત સ્ટેટ સેશનમાં હાજર ડેલિગેટને વીડિયો કોન્ફરન્સથી સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રી
ગુજરાતની પ્રગતિ અને સુખાકારીમાં વધારો કરવા માટે યુવાપેઢીના સહયોગની અપેક્ષા વ્યક્ત કરતાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં યુવાનોને વધુ તક મળે તેવું વાતાવરણ સર્જવા અને યુવાનોને 'બિગ ડ્રીમ’ જોવા માટે અનુરોધ કર્યો છે.
કેરળના કોચી ખાતે યોજાયેલાં પ્રવાસી ભારતીય દિનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ સેશનમાં ઉપસ્થિત ડેલિગેટને વીડિયો કોન્ફરન્સથી સંબોધતાં તેમણે ૨૦૧પમાં ગુજરાત પ્રવાસી ભારતીય દિનનું યજમાન બનવા આતુર હોવાનું જણાવ્યું છે. દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે ત્યારે આપણે તેમને જે તે ક્ષેત્રમાં તજજ્ઞ બનાવવા ઉત્તમ કામ કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ, નિયમોમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ અને આપણી પ્રાથમિકતામાં ફેરફાર કરવો જોઈએ.
કૃષિ ક્ષેત્રમાં મહિલાઓના નોંધપાત્ર યોગદાનનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, દેશની કુલ વસતીનો પ૦ ટકા જેટલો હિસ્સો ધરાવતી મહિલાઓની શક્તિનો મહત્તમ ઉપયોગ કરીએ તો આપણે નવી ઊંચાઈએ આંબી શકીએ તેમ છીએ. ગુજરાતે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦ ટકાનો કૃષિવિકાસ દર હાંસલ કર્યો છે.
ગુજરાતના વિકાસનો હકદાર પ્રત્યેક ભારતીય :
મુખ્યપ્રધાને ગુજરાતના વિકાસનો યશ પ્રત્યેક ભારતીયને આપતાં કહ્યું કે, કોઈપણ ભારતીય ગુજરાતના વિકાસમાં ભાગીદાર બની શકે છે. વિકાસ જ હિંદુસ્તાનને મજબૂત રાષ્ટ્ર બનાવવા અને સમસ્યાઓનું સમાધાન કરવાનો એકમાત્ર વિકલ્પ છે.
પ્રવાસી ભારતીયે વડાપ્રધાન બનવા શુભેચ્છા આપી :
મુખ્યપ્રધાન સાથેના પ્રશ્નોત્તરીમાં એક પ્રવાસી ભારતીયે નરેન્દ્ર મોદીની 'સિંહ’ સાથે સરખામણી કરીને તેમને દેશના વડાપ્રધાનપદે જોવા માગે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.