ગુજરાતને કેન્દ્રીય વેરાના હિસ્સા પેટે ૯૨૨૭ કરોડ મળશે
કેન્દ્ર સરકાર, ગુજરાતને ગ્રાન્ટ પેટે રૂપિયા ૮૬૭૩ કરોડ ચૂકવશે
કેન્દ્ર દ્વારા તેના માનીતા રાજ્યોને વધુ સહાય અપાતી હોવાનો આક્ષેપ
કેન્દ્ર સરકાર દેશના તમામ રાજ્યોમાંથી જે વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે.તેમાં દરેક રાજ્યોનો હિસ્સો હોય છે.જેની ટકાવારી કેન્દ્રીય નાણાપંચ દ્વારા તેના સર્વ-સ્વીકૃત વિવિધ માપદંડોને આધારે નક્કી કરાય છે.તે મુજબ ૩૧મી,માર્ચ-૨૦૧૩ના રોજ પૂરા થતાં ૨૦૧૨-૧૩ના નાણાકીય વર્ષમાં ગુજરાતને કેન્દ્ર સરકારના વિવિધ વેરાના હિસ્સા પેટે ૯૨૨૭ કરોડ રૂપિયા મળશે.જે ગત વર્ષ કરતાં ૧૨૦૪ કરોડ વધુ હશે.જોકે,ગુજરાત સરકારના પ્રવકતાનો આક્ષેપ એવો છે કે,ગુજરાતને મળતો હિસ્સો ઘટાડી દેવાયો છે અને કેન્દ્ર સરકાર તેના માનીતા રાજ્યોને વધુ સહાય આપે છે.જ્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સરકારના આક્ષેપને નકારી રહ્યાંં છે.
નોંધનીય છે કે,કેન્દ્રના વેરાના હિસ્સાની ગુજરાતને મળનારી આવકમાં કોર્પોરેટ ટેક્સનો હિસ્સો રૂપિયા ૩૪૦૧ કરોડ,ઈન્કમટેક્સનો હિસ્સો રૂ. ૧૯૨૨ કરોડ,કસ્ટમ ડ્યૂટીનો હિસ્સો રૂ. ૧૬૭૮ કરોડ,સર્વિસટેક્સમાંથી મળનારો હિસ્સો રૂ. ૧૧૨૩ કરોડ અને એક્સાઈઝ ડ્યૂટીનો હિસ્સો રૂ. ૧૦૯૮ કરોડ જેટલો હશે. જેનો સીધો અર્થ એ તારવી શકાય કે,ગુજરાતની વધતી જતી વસ્તી,કેન્દ્રીય વેરાના દર તથા રાજ્યમાં વેરો ભરનારાઓની વધેલી સંખ્યાને પરિણામે ગુજરાતમાંથી કેન્દ્રીય વેરો વધુ વસૂલાય છે.
એવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક રાજ્યોને વિવિધ યોજનાઓ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે રકમ પણ રાજ્ય સરકાર માટે એક આવક ગણાય છે.ચાલુ ૨૦૧૨-૧૩ના નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને કુલ રૂપિયા ૮૬૭૩ કરોડની ગ્રાન્ટ મળશે.જે ગત વર્ષ કરતાં રૂ. ૧૧૨૨ કરોડ જેટલી વધુ હશે.
આગળ વાંચોઃ કેન્દ્રના વેરામાંથી હિસ્સાની ટકાવારી કોણ,કેવી રીતે નક્કી કરે છે ?