આનંદનગરમાં હથિયારધારી ગુંડા લઈને આવેલી મહિલાએ જમીન પડાવી જમીનના પ્લોટ ઉપર લગાડેલું ર્બોડ ઉખાડી બીજું ર્બોડ લગાવી દીધાની ફરિયાદ
પ્રહલાદનગરમાં ઓનેસ્ટ પાસે આવેલી કરોડોના પ્લોટની ચોકી કરતા ચોકીદારને ૧પ-૧૭ જેટલા માણસો લઈને આવેલી મહિલાએ ધમકાવી, એક શખ્સે રિવોલ્વર જેવું હથિયાર બતાવીને પ્લોટ કબજે કરી લીધો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસમથકમાં નોંધાઈ છે. આ લોકોએ ચોકીદારને પરિવાર સાથે બંધક બનાવ્યો હતો અને બાદમાં ધમકી આપી બધાને કાઢી મૂક્યા હતા. પ્ર્હલાદનગર નજીક આવેલી ઓનેસ્ટ પાસેના એક પ્લોટમાં બિપીન સોનારાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૮મીએ તેઓ પ્લોટની ઓરડીમાં પરિવાર સાથે હતા ત્યારે આ પ્લોટ પાસે એક મહિલા સહિત ૨૦ જેટલા લોકો આવ્યા હતા. આ સમયે તેમના ઘરમાં તેમની પત્ની તેમનો પુત્ર અને પુત્રવધૂ હાજર હતા.
પ્લોટમાં આવેલા લોકો પાસે લાકડીઓ પણ હતી. તેમાંથી એક મહિલાએ પોતાનું નામ તખીબહેન હોવાનું અને વેજલપુરના ઠાકોરવાસમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. તેણે બિપીનભાઇને કાગળો બતાવીને કહ્યું હતું કે , આ જગ્યા મારી છે ખાલી કરી નાખો.જેથી બિપીનભાઇએ પોતાની પાસેના ફોનથી જમીનના માલિકને ફોન કરવા ફોન કાઢયો તેવો જ એક શખ્સે તેમનો અને તેમના પરિવારજનો પાસેનો ફોન લઇ લીધો હતો અને તેણે બિપીનભાઇના પુત્રને પણ લાફા ઝીંકી દીધા હતા. તેનું નામ મુન્નો છે તેવું કોઈક બોલ્યું હતું.
બીજા એક શખ્સે તેને કહેલું કે આને મર્ડરકેસમાં જનમટીપ થયેલી છે અને જો તું વધુ બોલીશ તો તને ઉડાવી દઇશ, તેમ કહીને મુન્નાએ બિપીનભાઇને તેની કમરમાં રાખેલી રિવોલ્વર જેવું હથિયાર બતાવીને પાછું મૂકી દીધું હતું.
ત્યાર બાદ આ શખ્સો એ તેમના પરિવારને ઓરડીમાં પૂરી દીધો હતો અને જમીનના પ્લોટ ઉપર લગાવેલું બોર્ડ ઉખાડીને બીજું બોર્ડ લગાવી દીધું હતું અને બિપીનભાઇનો સામાન તેઓએ ઓરડીમાંથી કઢાવીને તેમની સાથે લાવેલી ગાડીઓમાં ભરાવી દીધો હતો. અને બિપીનભાઇને ત્યાંથી જ્યાં જવું હોય ત્યાં જતા રહેવા કહ્યું હતું. જો કે ગભરાયેલા બિપીનભાઈ ત્યાંથી નીકળી ગયા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.