ભારતનું કલ્ચર અને તહેવારો દરેક વ્યક્તિને ખૂબ જલદી આકર્ષિત કરે છે. અમૂલ છોટે ઉસ્તાદમાં ભાગ લેવા માટે આવેલા પાકિસ્તાન અને ભારતના છોટે ઉસ્તાદોએ ભેગા મળીને અમદાવાદમાં જન્માષ્ટમી સેલિબ્રેટ કરી હતી.
‘‘દો દેશોકી આવાજપ્ત’ દ્વારા બે દેશની એકતામાં વધારો કરવા માટે સ્ટાર પ્લસ પર અમૂલ છોટે ઉસ્તાદ નામના રિયાલિટી શોની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભારત અને પાકિસ્તાનના એક એક બાળકની જોડી બનાવવામાં આવી છે. તેમાંથી બે જોડી સાથે હોસ્ટ આભાસ જોષીએ અમદાવાદની મુલાકાત લીધી હતી.
ભારતના દરેક ફ‹સ્ટિવલની જાણકારી પાકિસ્તાનથી આવેલા બાળકોને થાય તે માટે તેઓ દરેક શહેરની મુલાકાત લઇ રહ્યાં છે. હોસ્ટ જોષી કહે છે કે, ‘સ્ટાર પ્લસ પર આવતા વોઇસ ઓફ ઇન્ડિયા દ્વારા જ હું આગળ આવેલો છું. આવનાર સમયમાં મારું એક આલબમ અને બે ફિલ્મો પણ આવી રહી છે જેમાં મેં ગીત ગાયા છે.
આ ઉપરાંત ‘‘આજ ફિર જીને કે તમન્ના હૈ’’ ફિલ્મમાં મેં શત્રુઘ્ન સિંહાના સૌથી નાના પુત્રનો રોલ કર્યો છે. મારે એક્ટિંગ કરતા વધારે મારા અવાજને લોકો સુધી પહોંચાડવો છે. બે દેશોને સાંકળીને આ પ્રકારનો રિયાલિટી શો પહેલી વાર યોજાઇ રહ્યો છે.’ આ છોટે ઉસ્તાદોએ સિટી ભાસ્કર સાથે પણ વાત કરી હતી.
પાકિસ્તાનનું ગુજરાત ઘણું અલગ છે...
અમારા ગુજરાત અને ભારતના ગુજરાતમાં ઘણો ફરક છે. હા ખાવા પીવાની બાબતમાં બંને ગુજરાત એક સરખા જ છે. આ અંગે પાકિસ્તાનમાં આવેલા ગુજરાતનો રહેવાસી રોહાન અબ્બાસ કહે છે કે, ‘અમારી ગાવાની પદ્ધતિ સૂફી સ્ટાઇલ છે જ્યારે ભારતમાં ક્લાસિકલ અને ટ્રેડિશનલ રીતે ગાય છે. જે અમને અહીં આવીને શીખવા મળ્યું છે. મેં ઇંગ્લેન્ડના એક રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો.’
જ્યારે રોહાનની જોડીદાર જયપુરની આકાંક્ષા શર્મા કહે છે કે, ‘પહેલી વાર અલગ દેશના કલાકારો સાથે ગાવાની ઘણી મઝા આવે છે. પાકિસ્તાની કલાકારોની ગાવાની સ્ટાઇલ ઘણી અલગ છે જે અમને તેમની પાસેથી શીખવા મળ્યું છે.’
સરસ્વતી પૂજા પછી શરૂ થશે રિયાઝ
સૂફી અંદાજમાં ગાતો જમ્મુનો સતિંદર શાનું કહે છે કે, ‘સૂફી અંદાજમાં ગાવાની તાલીમ મને મારા પિતા પાસેથી મળી છે જેથી પાકિસ્તાની મિત્ર શાહિદ અલી સાથે સેટ થવામાં મને વધારે સમય લાગ્યો નથી. આ ઉપરાંત અમે આ શો દ્વારા બંને દેશની અવાજને એક કરવા માંગીએ છીએ.’
જ્યારે સતિંદરનો જોડીદાર કરાચીથી આવેલો શાહિદ અલી કહે છે કે, ‘મહેમાનનો આવકાર કેવી રીતે કરવો તે મને મારા આ ભારતીય મિત્રો પાસેથી શીખવા મળ્યું છે. અમે રોજ સવારે સરસ્વતીની પૂજા અર્ચના કરીને રિયાઝ કરવાની શરૂઆત કરીએ છીએ. ભારતની ગાયકીનો અનુભવ ઘણો સારો રહ્યો છે.’