વિશ્વના ૮૦થી વધુ દેશોમાં ગુરુવારે જન્માષ્ટમી ઉજવાશે. શ્રીકૃષ્ણપ્રેમને કારણે અમેરિકાના પેન્સિલવેનિયા ખાતે પસાર થતી એક નદીનું નામ ‘યમુના’ અપાયું છે અને ત્યાં વિશ્રામ ઘાટ પણ બનાવાયો છે. અહીં વૈષ્ણવોએ વ્રજ મંદિર સ્થાપ્યું છે. આપણે ત્યાં ભગવાનને છપ્પન ભોગ ધરાવાય છે પણ વિદેશનાં ઇસ્કોન મંદિરમાં તો ૪૦૦થી વધુ વસ્તુઓનો ભોગ ધરાવાય છે.
આ અંગે વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહારાજે જણાવ્યું કે વૈષ્ણવોના ભાવને કારણે જ્યાં પ્રભુ ત્યાં વ્રજ એની અનુભતિ અમેરિકાના પેન્સિલવેનિયા ખાતે આવેલા વ્રજ આધ્યાત્મિક સેન્ટર-વ્રજ મંદિર ખાતે થાય છે. અહીં ૩૬૦ એકરના સંકુલમાં શ્રીનાથજીના મંદિર પણ છે અને અહીં એક નદી પસાર થાય છે તેને ‘યમુના’ નામ આપવામાં આવ્યું છે. મથુરામાં જેમ વિશ્રામઘાટ છે તેમ અહીંની યમુના નદીના તટે વિશ્રામઘાટ બનાવાયો છે.
ગત અધિક માસે સૌપ્રથમવાર ચુંદડી મનોરથ કે જે માત્ર ગોકુળ અને મથુરામાં જ વૈષ્ણવોને દર્શન થાય તેવા દુર્લભ દર્શનનો લાભ એન.આર.આઇ. વૈષ્ણવોને મળ્યો હતો અને સાડા છ હજાર વૈષ્ણવો સમગ્ર અમેરિકામાંથી ઊમટી પડ્યા હતા. પશ્ચિમી જગતમાં હવેલી સંગીત એ વૈષ્ણવો પૂરતું સીમિત નથી પરંતુ કૃષ્ણના ગુણગાને અનેક અમેરિકનોને મોહિત કર્યા છે.
ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીએ જણાવ્યું કે આપણે ત્યાં ભગવાનને છપ્પનભોગ ધરાવીએ છીએ તે રીતે ઇસ્કોનનાં અમેરિકાનાં ન્યૂજર્સી, લોસ એન્જેલસ, રશિયાના મોસ્કો, ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન ખાતેના મંદિરે ૪૦૦થી વધુ વસ્તુઓનો ભોગ ભગવાનને ધરાવાય છે.
૨૦ હજાર વિદેશીઓએ બ્રહ્નચારી દીક્ષા લીધી
૨૦ હજારથી વધુ વિદેશીઓએ કૃષ્ણભક્તિના રંગે રંગાઈને બ્રહ્નચારીની દીક્ષા ગ્રહણ કરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો હોય છે. યુક્રેનથી અમદાવાદ-ઇસ્કોન મંદિરે જન્માષ્ટમી ઊજવવા આવેલા પ્રણવદાસજીએ જણાવ્યું કે મેં ૨૦ વર્ષની વયે બ્રહ્નચારીની દીક્ષા લીધી છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની ફિલોસોફી સર્વશ્રેષ્ઠ છે.
શહેરમાં ભક્તિ-સંગીત, મટકીફોડના કાર્યક્રમો
શહેરમાં ઇસ્કોન મંદિર, ભાગવત વિદ્યાપીઠ, વ્રજધામ, કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પણ ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી થશે. સાથે કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ ખાતે પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવાશે. જ્યારે શુક્રવારે નંદમહોત્સવની ઉજવણી થશે. જન્માષ્ટમી નિમિત્તે શહેરના ઇસ્કોન મંદિર ખાતે ઉજવણી થશે. અહીં સાંજે ૭.૩૦ વાગ્યાથી પ્રવચન અને ત્યારબાદ શ્રીકૃષ્ણ ભગવાનનાં જીવન પ્રસંગો પર નૃત્યનાટિકા રજુ થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, મંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભાગવત વિદ્યાપીઠ-સોલા ખાતે જન્માષ્ટમી નિમિત્તે રાત્રે ૯થી ૧૨ દરમિયાન ભજનસંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઋષિકુમારો દ્વારા મટકીફોડનું આયોજન કરાયું છે અને શુક્રવારે નંદમહોત્સવની પણ ઉજવણી કરાશે.
વ્રજધામ-સીમા હોલ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીની નિશ્રામાં સવારે ૫.૩૦ વાગ્યે શ્રીનાથજીને પંચામૃત સ્નાન, અભિષેક દર્શન તથા સાંજે ભજન-સંધ્યા અને રાત્રે ૧૨ વાગ્યે પંચામૃત અને અભિષેકનાં દર્શનનો લાભ વૈષ્ણવોને મળશે.