ગેરકાયદે બાંધકામો તથા ટી.પી. સ્કીમના ઝડપી અમલીકરણનો હેતુ
ગેરકાયદે બાંધકામો નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગ (ટીડીઓ)ને વ્યવસ્થિત કરવાનો નિર્ણય બજેટમાં કરાયો છે. ગેરકાયદે બાંધકામો ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ તથા મ્યુનિ. માલિકીના પ્લોટનું સતત મોનિટિંરગ થાય તેની પણ વ્યવસ્થા કરાઈ છે, તેમજ ટીડીઓ તથા એસ્ટેટ વિભાગમાં સંકલન જળવાઈ રહે તે માટે R ૩.૩પ કરોડના ખર્ચે 'અર્બન હાઉસ’ બનાવવાનો નિર્ણય કરાયો છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલા આગામી બજેટમાં ટીડીઓ તથા એસ્ટેટ વિભાગ એક જ જગ્યાએથી કાર્યરત્ થાય તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. તેમણે બજેટમાં જણાવ્યું છે કે, અગાઉ ૧૯૦.૧પ ચો.કિ.મી.નો વિસ્તાર મ્યુનિ. પાસે હતો, જે સને ૨૦૦૬માં વધીને આશરે ૪૬૩ ચો.કિ.મી. જેટલો થયો છે. શહેરમાં માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરી તથા તેના આધારે માઇક્રો લેવલ પ્લાનિંગની કામગીરી જેવી કે ટીપી સ્કીમો બનાવવાનું કામ મ્યુનિ. દ્વારા કરાય છે.
હાલ આ કામગીરી બજાવનાર સિટી પ્લાનિંગ વિભાગ સહિત ગેરકાયદે બાંધકામ રોકનાર ટીમ કે પ્લાન પાસ કરવાની કામગીરી અલગ અલગ જગ્યાએથી થતી હોઈ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, તેમજ સંકલનનો અભાવ રહે છે. કેટલીક કામગીરી ઝોનકક્ષાએ થતી હોય છે, જેથી મધ્યસ્થ કાર્યાલય તરફથી કરવામાં આવતા નિર્ણયોનો અમલમાં પણ મોડું થતું હોય છે. આથી આગામી બજેટમાં ૩.૩પ કરોડના ખર્ચે અર્બન હાઉસ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ અર્બન હાઉસ બન્યા બાદ ટીડીઓ, સિટી પ્લાનિંગ તથા એસ્ટેટ એક જ જગ્યાએથી કામગીરી બજાવશે.
શા માટે અર્બન હાઉસ બનાવાશે
સિટી પ્લાનિંગ વિભાગ, નગર રચના અધિકારીઓ, એસ્ટેટ વિભાગ, ટીડીઓ વિભાગ જુદી જુદી જગ્યાએથી કામગીરી બજાવતા હોવાથી સંકલનનો અભાવ સર્જાય છે. નિર્ણયની ફાઇલ ઝોનમાં જતાં બે-ત્રણ દિવસનો સમય થઈ જાય છે.
પછી કેવી વ્યવસ્થા હશે
એક જ બિલ્ડિંગમાં તમામ ઝોન તથા મુખ્ય કચેરી કાર્યરત્ રહેવાથી નિર્ણયનો અમલ ગણતરીના કલાકોમાં થશે. પરિપત્રના અમલમાં વિલંબ ટળશે. ઉચ્ચ અધિકારીઓથી માંડી પટાવાળા સુધી એક જ જગ્યાએથી કાર્યરત્ રહેશે. ગેરકાયદે બાંધકામો રોકવા ઝડપથી કાર્યવાહી થશે.
હવે શું ?
અર્બન હાઉસથી કામગીરી ઝડપી નહીં થાય તેવી અધિકારીઓને શંકા છે, તેના માટે ફુલટાઇમ ડે. મ્યુનિ. કમિશનરની જરૂરિયાત ઊભી થશે અને તેના માટે વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષે વિચારણા શરૂ કરી દીધી છે.