કોંગ્રેસના સાત મુસ્લિમ નેતામાંથી બે જીત્યા
- જમાલપુરમાં પહેલીવાર મુસ્લિમ નેતા હાર્યા
રાજ્યમાં ૧૮ જેટલી બેઠકો પર મુસ્લિમ મતદારોની સંખ્યા ૪૦ હજારથી એક લાખ કરતાં વધુ છે.જે પૈકીની સાત બેઠકો પર કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારેને ઊભા રાખ્યા હતા.જ્યારે ભાજપ તરફથી એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી.ચૂંટણી પરિણામ બાદ દરિયાપુર અને વાંકાનેર એમ બે બેઠક પરથી મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.જ્યારે ગુજરાત ૧લી મે,૧૯૬૦માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદથી સતત મુસ્લિમ ઉમેદવારો જ વિજયી થતાં હોય તેવી જમાલપુરની બેઠક પરથી પ્રથમવાર મુસ્લિમ ઉમેદવારનો પરાજય થયો છે.
જમાલપુરની બેઠક પર કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતાં ધારાસભ્ય સાબરી કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરિણામે મુસ્લિમ વોટ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે વહેંચાઈ જતાં કોંગ્રેસના સમીર પઠાણ ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સામે ૬,૩૩૧ વોટથી પરાજિત થયા હતા.
જ્યારે શાહપુર-કાલુપુરની બેઠક નવા સીમાંકનથી રદ થયા બાદ આ બંને બેઠકો પરના કોંગ્રેસના ધારાસભ્યો ફારુક શેખ અને ગ્યાસુદ્દીન શેખ નવી અસ્તિત્વમાં આવેલી દરિયાપુરની બેઠક માટે દાવેદાર થયા હતા. જો કે ફારુક શેખે અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા પછી કોંગ્રેસને ટેકો કરતા દરિયાપુરની બેઠક ગ્યાસુદ્દીન શેખે ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ભરત બારોટ સામે ૨,૬૨૧ વોટથી જીતી ગયા છે.
વાંકાનેરમાં આ વખતે પણ ધારાસભ્ય પિરઝાદા મોહંમદ જાવેદને ટિકિટ અપાતા તે ફરીથી પ,૩૧૧ વોટથી જીત્યા છે.
આશરે ૭પ હજાર જેટલા મુસ્લિમ વોટ ધરાવતી વાગરાની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર સતત ચાર વાર જીત્યા હતા પરંતુ આ વખતે અહીંના કોંગ્રેસના ધારાસભ્ય ઈકબાલ પટેલ સામે મુસ્લિમ અગ્રણીઓમાં જ ભારે નારાજગી છતાં તેમને ટિકિટ અપાતાં તેમને વાગરાની બેઠક ૧૪,૩૧૮ વોટથી ગુમાવવાનો વારો આવ્યો છે.
નવરચિત વેજલપુર વિધાનસભા વિસ્તારમાં આશરે ૯૧ હજાર જેટલા મુસ્લિમ વોટ હોવા છતાં આ વિસ્તારમાં કોંગ્રેસના મુર્તુજાખાન પઠાણને ૪૧,૯૮પ વોટથી પરાજિત થવું પડયું છે. ભુજની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમીરઅલી લોધિયાને અપક્ષ ઉમેદવારે ૧૬,૨પ૪ વોટ મેળવીને વિજય સુધી પહોંચતા રોકી લીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.એવી જ રીતે સુરત પૂર્વની બેઠક પરથી પણ કોંગ્રેસના કદીર પિરઝાદા ૧૬,૮૮૯ વોટથી હારી ગયા છે.






