- ગુરુકાંત દેસાઈ નામનો આ આતંકવાદી ખરેખર મૂળ બંગ્લાદેશનો બ્રિટિશ સિટીઝન છે
- લંડનમાં વિસ્ફોટ કરવાના કાવતરામાં મોહંમદની ધરપકડ કરવામાં આવી છે
આતંકવાદીઓ હિન્દી ફિલ્મોથી ઘણા પ્રભાવિત થતા હોય છે. જુલાઈ ૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં આતંકવાદીઓએ સિવિલ હોસ્પિટલમાં કરેલા વિસ્ફોટનું પ્લાનિંગ હિન્દી ફિલ્મ 'કોન્ટ્રાક્ટ ’ જોઈને કર્યું હતું. ત્યાં લંડન સ્ટોક એક્સચેન્જમાં વિસ્ફોટ કરવાના કાવતરામાં પકડાયેલા બાંગ્લાદેશી આતંકવાદીઓ પૈકીના મોહંમદ નામના આતંકવાદીએ અભિષેક બચ્ચનની ફિલ્મ ગુરુ જોઈને પોતાનું નામ ગુરુકાંત દેસાઈ રાખ્યું હોવાનો ખુલાસો ભારતીય એજન્સીઓએ કર્યો છે.
વાત એમ હતી કે લંડન સ્ટોક એક્સચેન્જમાં વિસ્ફોટ કરવાની કબૂલાત ગુરુકાંત દેસાઈ નામના આતંકવાદીએ કરી હોવાના અહેવાલ મળતાંની સાથે જ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. ગુરુકાંત દેસાઈ નામ આમ તો મહારાષ્ટ્રીયન અને ગુજરાતીઓમાં વધારે હોવાથી ગુજરાતના ડીજીપી ચિતરંજનસિંઘે તુરંત જ ગુજરાત એટીએસ તથા ક્રાઈમ બ્રાન્ચને આ બાબતે તપાસ કરવા સૂચના આપી હતી.
જેના આધારે પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગુરુકાંત દેસાઈ નામનો આ આતંકવાદી ખરેખર મૂળ બંગ્લાદેશનો બ્રિટિશ સિટીઝન છે. તે વર્ષોથી વેલ્સમાં પોતાના ભાઈ અબ્દુલમિયાં સાથે રહેતો હતો. આ બંને ભાઈઓએ બંગ્લાદેશના મોહંમદ ચૌધરી અને શાહ રહેમાન સાથે મળી ડિસેમ્બર ૨૦૧૦માં ક્રિસમસ ટાણે લંડનમાં બોમ્બ ધડાકા કરવાનો તખ્તો તૈયાર કર્યો હતો. જો કે તે પહેલા જ તેમની ધરપકડ થઈ હતી. હવે તેમણે કબૂલાત કરી છે કે ક્રિસમસ પર બોમ્બ ધડાકા કરવા ઉપરાંત લંડન સ્ટોક એક્સચેન્જના બાથરૂમમાં બોમ્બ મૂકવાની પણ તેમની યોજના હતી.
સુરક્ષા એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે મોહંમદ ૧૨મી જાન્યુઆરી ૨૦૦૭માં હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં એક સાથે રિલીઝ થયેલી અભિષેક બચ્ચની ફિલ્મ ગુરુ, (તામિલ અને તેલુગુમાં આ ફિલ્મનું નામ ગુરુકાંત હતું) જોઈ હતી અને તે પછી તેણે પોતાનું નામ ગુરુકાંત દેસાઈ રાખ્યું હતું. જો કે આ નામ તેણે ફિલ્મમાં ગુરુકાંત દેસાઈના પાત્રથી પ્રભાવિત થઈને રાખ્યું હતું કે પછી પોતાની અસ્સલ ઓળખ છુપાવવા રાખ્યું હતું તે અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓ મૌન છે. કેવી રીતે પકડાયો ગુરુકાંત દેસાઈ..
બ્રિટનની અન્ડરકવર કાઉન્ટર ટેરરિઝમ યુનિટના એજન્ટોએ શંકાના આધારે તેનો સતત પીછો કર્યો હતો અને તેના મકાન, કારમાં ગુપ્ત લિસનિંગ ડિવાઈસ મૂકી તેમના પ્લાનિંગનો પર્દાફાશ કર્યો હતો. આ અન્ડરકવર યુનિટની રચના ૭મી જુલાઈ ૨૦૦પના રોજ લંડનના ટયૂબ સ્ટેશનમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ કરવામાં આવી હતી. આ આતંકવાદી હુમલામાં બાવન લોકોનો મોત નિપજ્યા હતા.
યેમેનમાં અમેરિકાના ડ્રોન હુમલાથી રોષે ભરાયાં હતા..
તાજેતરમાં અમેરિકાએ યેમેનમાં કરેલા ડ્રોન હુમલામાં મૂળ અમેરિકી જેહાદી અનવર અલ અવલકી માર્યો ગયો હતો. તેનો બદલો લેવા આ ચારેય આતંકવાદીઓએ વિસ્ફોટનું પ્લાનિંગ કર્યું હતું. બ્રિટિશ પોલીસના કહેવા પ્રમાણે તેઓ અલકાયદાના સીધા સંપર્કમાં નથી પરંતુ તેની વિચારધારાથી પ્રભાવિત છે. તેમના ઘરમાંથી અલકાયદાનું એક મેગેઝિન મળી આવ્યું હતું જેમાં ' મેક બોમ્બ ઈન યોર મોમ્સ કિચન’ નામનો આર્ટિકલ હતો.