સાલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિધાનસભાના સ્પીકર અને પૂર્વ આરોગ્યમંત્રી અશોકભાઇ ભટ્ટની તબિયત નાજુક થયા બાદ તેમાં ક્રમશ: સુધારો થઇ રહ્યો છે. શુક્રવારે તેઓ ભાનમાં આવ્યા બાદ વાતચીત કરતા થયા હોવાથી ઝડપથી સ્વસ્થ થાય તેવા સંકેતો ડોક્ટરો આપી રહ્યા છે.
સાલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. નીતિન શાહે જણાવ્યું હતું કે, અશોકભાઇની તબિયતમાં ક્રમશ: સુધારો થઇ રહ્યો છે. જેને પગલે વેન્ટિલેટર, બ્લડપ્રેશરનો સપોર્ટ દૂર કરાયો છે. તેમ છતાં કિડનીની તકલીફ હજુ પણ છે, જે કંટ્રોલ થતાં એકદમ સ્વસ્થ થવાની સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમીને દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અશોકભાઇ ભટ્ટની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. તેમણે અશોકભાઇની સારવાર અંગેની માહિતી મેળવી હતી. કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીર દાણીએ જણાવ્યું હતું કે, અશોકભાઇની તબિયતમાં સુધારો થતાં વેિન્ટલેટર દૂર કરાયા બાદ હવે બ્લડપ્રેશર માટેનો પમ્પ પણ કાઢી લેવામાં આવ્યો છે. તેઓ શુક્રવારે ભાનમાં આવ્યા બાદ વાતચીત પણ કરી રહ્યા છે. પરંતુ થોડી ઘણી કિડનીની તકલીફ છે, જેમાં આગામી ત્રણ-ચાર દિવસમાં સુધારો થશે.