- જાફરીએ મદદ માટે ફોન કર્યાના પુરાવા નથી: સીટ
- સીટે બંધ કવરમાં કલોઝર રિપોર્ટ રજુ કર્યો
- મુખ્યમંત્રી મોદી અને તત્કાલીન પોલીસ કમિશનર પી.સી.પાંડેને ક્લીનચીટ
- અહેસાન જાફરીએ જે બે ફોન કર્યા હતા તે એક ફોન બાપુનગરમાં અને બીજો ફોન દાણીલીમડામાં થયો હતો
- નરેન્દ્ર મોદીના ભડકાઉ નિવેદનનો અહેવાલમાં ઉલ્લેખ પરંતુ કાર્યવાહીની કોઈ ભલામણ નથી
સુપ્રીમ કોર્ટ દ્વારા કોમી રમખાણોની તપાસ કરવા માટે રચાયેલી સીટ(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ઝકિયા જાફરીની ફરિયાદમાં કોઈ તથ્ય ન હોવાનો રિપોર્ટ બુધવારે બપોરે નીચલી અદાલતમાં બંધ કવરમાં કલોઝર રિપોર્ટ સબમિટ કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે, ગુલબર્ગ કાંડમાં મૃત્યુ પામેલા માજી સાંસદ અહેસાન જાફરીએ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ મદદ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે પછી અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર પી.સી. પાંડેને ફોન કર્યા હોવાના કોઈ પુરાવા મળતા નથી.
તેમના ઘરના લેન્ડલાઇન નંબર પરથી તેમણે તે દિવસે બે પરિચિતોને ફોન કર્યા હોવાનું ટ્રેસ થયું છે, જે પૈકી એક ફોન બાપુનગર અને બીજો ફોન દાણીલીમડા વિસ્તારમાં કરાયો હતો. બીજી બાજું નરેન્દ્ર મોદી સહિત ફરિયાદમાં જણાવાયેલા ૬૩ વ્યક્તિ પૈકી મોટાભાગનાને કલીનચીટ આપી દેવાઇ છે.
આક્ષેપ પ્રમાણે અહેસાન જાફરીએ તોફાનીઓથી બચવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડે સહિત અનેક લોકોને ફોન કર્યા હતા, પરંતુ તેમને કોઈ મદદ પૂરી પાડવામાં આવી ન હતી. સીટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તે વખતના અહેસાન જાફરીના લેન્ડલાઇન નંબરની ડિટેઇલ ઉપલબ્ધ ન હોવાથી તેમણે જે લોકો સામે આક્ષેપ થયા છે તેમના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ્સ ચકાસી હતી, પરંતુ તેમાં અહેસાન જાફરીના લેન્ડલાઇન નંબરનો ઉલ્લેખ નથી.
તદઉપરાંત એવી પણ માહિતી પ્રાપ્ત થાય છે કે, રિપોર્ટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવાં નિવેદનો કર્યા હોવાનો પણ ઉલ્લેખ છે. જો કે રિપોર્ટમાં તેમની સામે કાર્યવાહીનો ઉલ્લેખ નથી. સીટે મુખ્યમંત્રી સામે કાર્યવાહીનો નિર્ણય અદાલત પર છોડી નરો વા કુંજરો વાનું વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અહેસાન જાફરીની પત્ની ઝકિયા જાફરીએ કોમી રમખાણોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ૬૩ લોકોની શંકાસ્પદ ભૂમિકા અંગે ફરિયાદ કરી હતી, જેની તપાસ સીટને સોંપાઈ હતી.
કૂવાને ખોદી તપાસ કરાઈ હતી
હાલમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે બાંયો ચડાવનાર આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે આક્ષેપ કર્યો હતો. નરોડા હત્યાકાંડ બાદ તોફાનીઓએ કેટલાક લોકોની કત્લેઆમ કરી તેને નજીકના તીસરા કૂવા નામના અવાવરુ કૂવામાં નાખી દીધી હતી. જો કે તે આક્ષેપોમાં સીટનું કહેવું છે કે, જે-તે સમયે જ ફાયરબ્રિગેડે કૂવામાં ખોદકામ કરી તપાસ કરી હતી, પરંતુ કોઈ લાશ જણાઈ આવી ન હતી.
અમે કૂવામાં ૨૦ ફૂટ ખોદી તપાસ કરી હતી
તે સમયે અમે કૂવામાં ૨૦ ફૂટ ખોદીને તપાસ કરી હતી, પરંતુ તેમાં કોઈ લાશ જણાઈ આવી ન હતી. આ બાબતે મેં અદાલતમાં નિવેદન આપ્યું છે.-મહેનૂઝ દસ્તુર, ચીફ ફાયર ઓફિસર, ફાયરબ્રિગેડ