અમદાવાદમાં સતત ચાલુ રહેલા વરસાદના કારણે નીચાણવાળા તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. જો કે હાટકેશ્વર સર્કલ નજીક ભરાયેલાં પાણીના ખાબોચિયાંમાં એક સ્કૂલ રિક્ષા પલટી ખાતા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે રિક્ષામાં બેઠેલા ચારેય બાળકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યાં હતાં.
પ્રાપ્તમાહિતી અનુસાર, અમદાવાદમાં સતત ચાલુ રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોની હાલત અત્યંત કફોડી બની છે. તેમાં પણ નીચાણવાળા વિસ્તારોના મુખ્ય માર્ગોમાં પાણીનાં ખાબોચિયાં ભરાઇ જતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ગુરુવારે સવારે પોણા દસ વાગે મણિનગરની સેવન્થ ડે સ્કૂલનાં ચાર બાળકોને લઇને સ્કુલ રિક્ષાનો ચાલક જઇ રહ્યો હતો. દરમિયાનમાં હાટકેશ્વર સર્કલ પર પાણીના મોટા ખાબોચિયાના કારણે રિક્ષા પલટી ખાતાં બાળકોએ બૂમાબૂમ શરૂ કરતાં સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા.
જો કે એકત્રિત થયેલા રહીશોએ તાત્કાલિક રિક્ષા સીધી કરી રિક્ષાને ખાબોચિયામાંથી બહાર કાઢી ચારેય બાળકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. જો કે આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક અને બાળકોને કોઇ ઇજા થઇ ન હતી.