"નરોડા પાટિયાકાંડ બાદ લાશો કૂવામાં નખાઈ હતી"

સંજીવ ભટ્ટે એસઆઇટીના ચેરમેનને લખેલા પત્રમાં ગંભીર આક્ષેપો
૨૦૦૨નાં કોમી રમખાણો દરમિયાન તોફાનીઓએ નરોડા પાટિયામાં કત્લેઆમ મચાવી લાશો નજીકના અવાવરુ તીસરા કૂવામાં ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ સસ્પેન્ડેડ આઇપીએસ સંજીવ ભટ્ટે કર્યો છે. તેણે એસઆઇટીના ચેરમેન ડો. આર.કે. રાઘવનને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો હતો કે, તે સમયે અમદાવાદ પોલીસને આ માહિતી અંગે ફેક્સ મેસેજ કર્યા હોવા છતાં આજદિન સુધી તે લાશો તપાસના કામે બહાર કઢાઈ નથી. સીટને પણ તેમણે આ માહિતી આપી હોવા છતાં સીટે પણ તે અંગે કોઈ જ કાર્યવાહી કરી નથી. સીટની કે પછી અમદાવાદ પોલીસની કોઈને છાવરવાની મેલી મુરાદ છે, તે અંગે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે.
સંજીવ ભટ્ટે અત્યંત સ્ફોટક એવા આ પત્ર સાથે બીડેલા દસ્તાવેજો પ્રમાણે, તેઓ આઇ.બી.માં એસપી હતા, ત્યારે આઇ.બી.ના વડા એડિ. ડીજીપી જી.સી. રાયગરે અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેને ૧૮મી માર્ચ ૨૦૦૨ના રોજ પત્ર લખી જણાવ્યું હતું કે, નરોડા પાટિયાની બાજુમાં ખુલ્લા મેદાનમાં તીસરા કૂવામાં અમુક મૃતદેહો નાખી દઈ તેના ઉપર પથ્થર-કાટમાળ નાખવામાં આવ્યા છે.
તે કૂવામાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી તે જગ્યાએ જઈ ખાતરી કરવી. તે પછી ૧૯મી માર્ચ ૨૦૦૨ના રોજ પણ આઇ.બી.ના તત્કાલીન મદદનીશ પોલીસ કમિશનરે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે, મૃતદેહોને છુપાવવા માટે કોઈએ તે કૂવામાં મરેલું ભૂંડ નાખી દીધું છે કે જેથી એવું લાગે કે દુર્ગંધ ભૂંડની છે, જેથી કૂવાનું ખોદકામ કરાવી લાશો બહાર કાઢવી. સંજીવ ભટ્ટના આક્ષેપ પ્રમાણે, એ પછી અમદાવાદ પોલીસ કમિશનર તરફથી તેમને કોઈ માહિતી અપાઈ નથી અને તેમના મત પ્રમાણે તે લાશો હજી પણ તે જ કૂવાના તળિયામાં છે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી હતી કે જો હજી પણ તે કૂવો ખોદવામાં આવે તો હાડપિંજર નીકળી તેવી તમામ સંભાવના છે.
... તો પછી નરોડા પાટિયામાં ખરેખર કેટલા લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા?
પોલીસે આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે તોફાનો દરમિયાન નરોડા પાટિયામાં કુલ ૯૪ લોકોની હત્યા થઈ હતી, જે પૈકી ત્રણની લાશ હજી સુધી મળી નથી. હવે જો સંજીવ ભટ્ટના કૂવામાં લાશો નાખી હોવાના આક્ષેપ સાચા હોય તો તે દિવસે કેટલાને મોતને ઘાટ ઉતરાયા હતા તે પ્રશ્ન ગોધરાકાંડમાં તપાસ કરી રહેલી સીટ માટે મહત્ત્વનો બની રહેશે.
એ સમયે કોઈએ ભૂંડ મારીને કૂવામાં નાખ્યું હતું
અમે તે સમયે સ્થળની મુલાકાત લીધી ત્યારે તપાસને ગેરમાર્ગે દોરવા માટે તાજું મારેલું ભૂંડ કૂવામાં નાખી દીધું હતું, પરંતુ તેમને એ ખ્યાલ ન હતો કે તાજા મરેલા ભૂંડમાંથી દુર્ગંધ ન આવે. આ અંગે મેં તે સમયે અમદાવાદ પોલીસનું ધ્યાન દોર્યું હતું, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.’ - સંજીવ ભટ્ટ, સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી
તપાસ થઈ હતી : સીટ
અમદાવાદ પોલીસે એ સમયે કુવાની તપાસ કરી હતી અને તેમાં કોઇ લાશો ન હોવાનું જણાઈ આવ્યું હતું. આ તપાસની ખરાઈ સીટએ પણ કરી હતી, તેમ સીટના સૂત્રોએ જણાવ્યું હતું.






