દોઢ વર્ષ પહેલા શહેરના બાપુનગર વિસ્તારમાં થયેલા સાત વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના એક ગુનાને પોલીસ હજુ પણ ઉકેલી શકી નથી. પરિણામે મૃતબાળકીના લાચાર પરિવારજનોએ આખરે હાઈકોર્ટનો આશરો લીધો છે અને આ મામલે હાઈકોર્ટે ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપીને પ્રોગ્રેસ રિપોર્ટ સાથે ૮ સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા આદેશ આપ્યો છે.
સાત વર્ષની બાળકી સંગીતા મારવાડી પર બળાત્કાર અને હત્યાના મામલે ૪ ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસમાં પોલીસે એફએસએલ રિપોર્ટ, વીડિયોગ્રાફી, ડોગ સ્કવોડ વગેરે સહિતની અધ્યતન પદ્ધતિઓની મદદ લીધી અને ૧૨૦ ઈસમોની પૂછપરછ પણ કરી.
જોકે, મહિનાઓની તપાસના અંતે પણ પોલીસ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નહીં. અલબત્ત, હત્યા પહેલા માસૂમ બાળકી પર અત્યાચાર થયા હોવાના તારણ પર પોલીસ આવી. પરંતુ એક માસૂમ જીવ સાથે પિશાચી કૃત્ય આચરનારા નરાધમોને શોધવામાં આપણી પોલીસ ઉણી ઉતરી.
પરિણામે, ન્યાયની અપેક્ષા સાથે મૃત બાળકીના પિતા ભોમાજી મારવાડીએ નવસર્જન ટ્રસ્ટની મદદથી માનવ અધિકાર પંચ, રાજ્યપાલ, ગૃહમંત્રી સહિત વિવિધ સત્તાધિશો સમક્ષ રજુઆત કરી. ૮ મે, ૨૦૦૯ના રોજ રાજ્ય માનવ અધિકાર આયોગના તત્કાલીન વડા ચિત્તરંજન સિંઘે નાની બાળકી પરના ‘રેપ વિથ’ મર્ડરના આ ગુનામાં તપાસ કરાવી તેનો અહેવાલ માનવ અધિકાર આયોગને મોકલી આપવા શહેર પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યા.
૨૩ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ શહેર પોલીસ કમિશનરે વિરોધ પક્ષના નેતાને લખેલા પત્રની સાથે જ આ આશા પણ ઠગારી નિવડી. આ પત્રમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ડીસીપી ઝોન ૫ દ્વારા આ કેસની તપાસ કરાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ કરી હતી. આમ છતાં આ ગુનામાં શકમંદોની સંડોવણી જણાઈ આવતી નથી.
છેક વડાપ્રધાન સુધી રજુઆત
મહિનાઓના સંઘર્ષ બાદ પણ મૃત દીકરીને ન્યાય નહીં મળતા મૃતકના પિતા ભોમાજી મારવાડીએ વડાપ્રધાન કાર્યાલય સુધી રજુઆત કરી. આ રજુઆતને ગંભીરતાથી લઈને વડાપ્રધાન કાર્યાલયે ૨૩ જુન,૨૦૧૦ના રોજ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ કેસમાં યોગ્ય પગલા લેવા જણાવ્યું. આમ છતા, ગુનાના ઉકેલ માટે પોલીસ તરફથી ઉદાસીનતા દાખવવામાં આવી.
આખરે કોર્ટનું શરણુ લીધું
વડાપ્રધાન સુધીના સત્તાધિશો સામેની રજુઆત છતાં ન્યાય નહીં મળવાના કારણે આખરે, ભોમાજી મારવાડીએ કાયદાકીય જંગની શરૂઆત કરી અને એડ્વોકેટ શિલ્પાબહેન આર. શાહ મારફતે હાઈકોર્ટ સમક્ષ એક અરજી કરી. આ અરજી સંદર્ભે હાઈકોર્ટે વધુ સુનાવણી ૮ સપ્ટેમ્બરના રોજ રાખી છે અને ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપીને પ્રોગ્રેસ રિપોર્ટ સાથે રૂબરુ હાજર રહેવા નિદેશ આપ્યા છે અને શહેર પોલીસ કમિશનર, ડીસીપી તથા બાપુનગર પીઆઈને નોટિસો કાઢી છે.