બાપુનગર વિસ્તારમાં રવિવારે અનોખું સરઘસ નીકળ્યું. આ કોઈ માગણી અથવા પડતર પ્રશ્નો લઈ નીકળેલા લોકોનો સમૂહ નહોતો, પરંતુ આ વિસ્તારની હર્ષદ સોસાયટીમાંથી લાપતા થયેલી બે માસૂમ બાળકોની માતાને શોધવા માટે સોસાયટીના રહીશો જાહેરમાં આ અંગેના પોસ્ટર્સ લગાવવા નીકળ્યા હતા. ગત બુધવારે અહીં રહેતા ૩૦ વર્ષીય રમાબહેન ઠુમ્મર માનસિક બિમારીને લઇ ક્યાંક ચાલ્યા જતાં લાપતા થઇ ગયા. તેમના પતિ રાજેશભાઇએ આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ પણ નોંધાવી.
અને રમાબહેન અંગેના પોસ્ટર્સ છપાવી તેમના બે બાળકો ધ્રુવ અને મીત સાથે પોસ્ટર્સ લગાવવા લાગ્યા. તેમની માને શોધવા માટે પોસ્ટર્સ લગાવતા આ બંને બાળકોની સાથે તેમનો મિત્રવર્ગ પણ જોડાયો અને બાળકોની આ પ્રેરણાદાયી વાત એવી તો પ્રસરી કે ૩૦૦ મકાનો ધરાવતી હર્ષદ સોસાયટીના લગભગ તમામ સભ્યો 'માની શોધ ઝુંબેશ’માં જોડાઇ ગયા. એટલું જ નહીં પરંતુ અમદાવાદ સહિત અન્ય મોટા શહેરોમાં ફરી ખોવાયેલા રમાબહેનની શોધ કરતાં અહીંના યુવકોએ વ્યાપક રીતે તેમના ૨૧ હજાર ઉપરાંત પોસ્ટર્સ લગાવી દીધા છે. - તસવીર કલ્પિત ભચેચ