નારણપુરાના નીરવ કોમ્પલેક્સમાં આવેલી કુખ્યાત બુકી દિનેશ કલગીની ઓમ અમદાવાદ નામની બુકી પેઢી પર ક્રાઈમ બ્રાન્ચે રવિવારે દરોડા પાડ્યા હતા. પોલીસે ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા અને પાકિસ્તાન - આફ્રિકાની મેચો પર રમાતાં મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી કલગીના ભાગીદાર રાજુ મુરલીધર નારંગ અને વિનોદ ઠક્કર ઉર્ફે લોટરી અને દિનેશ કલગીના ભાણેજ દિવીશ ઠક્કર સહિત ૭ની ધરપકડ કરીને મોટા પ્રમાણમાં, લેપટોપમાં સ્ટોર કરાયેલી ગ્રાહકોની એન્ટ્રી કબજે કરી છે. બીજી બાજુ આ ધંધાના મુખ્ય સૂત્રધાર અને ૪૦ ટકાનો ભાગીદાર દિનેશ કલગીને ભાગેડુ જાહેર કરવામાં આવતા તેના પાલડી સ્થિત રહેણાંક તથા અન્ય ક્લબો પર પોલીસે તેને પકડવા દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.
- નારણપુરાના નીરવ કોમ્પલેક્સમાં દરોડા
- દિનેશ કલગીને ભાગેડુ જાહેર કરાયો
- ભાગીદાર રાજુ મુરલી અને વિનોદ લોટરી સહિત ૭ ઝડપાયા
- કલગીને ૪૦ ટકા, રાજુ મુરલીને ૩૦ ટકા, વિનોદ લોટરીને ૨૦ ટકા અને કર્મચારીઓને ૧૦ ટકા મળતા હતા....!
સૂત્રોના અનુસાર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લાને બાતમી મળી હતી કે હજી હાલમાં જ, સોલા સ્થિત જુગારધામ, લો ગાર્ડન જિમખાના પર દરોડાના કેસમાં જેલહવાલે થયેલો દિનેશ કલગી નારણપુરાના દર્પણ ચાર રસ્તા પાસેના નીરવ કોમ્પલેક્સમાં છેલ્લા ૮ મહિનાથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે એસીપી મયૂર ચાવડા અને ઈન્સ્પેકટર એસ.એમ.ચૌધરી પોતાની ટીમ સાથે તાત્કાલિક ફ્લેટ પર પહોંચી ગયા હતા.
ફ્લેટની બહાર સીસી ટીવી કેમેરા લગાડેલા હોવાથી પોલીસ સિફતપૂર્વક અંદર ધસી આવી હતી અને રાજુ મુરલી, વિનોદ લોટરી, દિવીશ ઠક્કર તથા તેમના કર્મચારીઓ વાસુદેવ ચોવીસા, મૌલીન શાહ, પીયૂષ શાહ અને જસ્મીનને સટ્ટો રમાડતા રંગેહાથ પકડી લીધા હતા.
દરોડા દરમિયાન દિવીશ ઠક્કરે ક્રાઈમ બ્રાન્ચને આજીજી કરી હતી કે તે કોલેજમાં છે અને કેસ નોંધાશે તો તેનું કરિયર બરબાદ થઈ જશે તેથી જવા દો. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પેઢીમાં કલગીને ૪૦ ટકા, રાજુ મુરલીને ૩૦ ટકા, વિનોદ લોટરીને ૨૦ ટકા અને કર્મચારીઓ ફૂટે નહીં તે માટે પગાર ઉપરાંત તેમને નફામાંથી ૧૦ ટકાનો ભાગ મળતો હતો.
ફ્લેટ મારા કબજામાં છે : રાજુ મુરલી
દિનેશ કલગીનો ભાગીદાર રાજુ મુરલી નિરવ કોમ્પલેક્સમાં જ રહે છે. તે જ એપાર્ટમેન્ટના અન્ય બે ફ્લેટમાં તે દિનેશ કલીગના ઈશારે રાજુ મુરલી અને વિનોદ લોટરી આંતરરાષ્ટ્રીય મેચો પર સટ્ટો રમાડતા હતા. પ્રાથમિક પૂછપરછમાં રાજુ મુરલીએ કહ્યું હતું કે જે ફ્લેટમાં સટ્ટા રમાતો હતો તે ફ્લેટ તેના જ કબજામાં હતો.
પોલીસને જોઈ સટ્ટોડિયા હતાશ થઈને બેસી ગયા
પોલીસ પહોંચી ત્યારે ફ્લેટના સીસી કેમેરા ચાલુ હતા. પોલીસને શંકા હતી કે અંદર મોનિટર પર સટોડિયાઓ તેમને જોઈ રહ્યા છે. તેથી એક ક્ષણ પણ વિચાર્યા વગર તેઓ દરવાજો તોડીને અંદર ધસી આવ્યા હતા. આ જોઈને સટોડિયાએ પહેલાં નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાદમાં હતાશ થઈ પલાંઠીવાળીને બેસી ગયા હતા.
કલગી પર નજર રાખવા કમિશનરની સૂચના હતી
લો ગાર્ડન જિમખાના પર દરોડાની કાર્યવાહી બાદ કલગી અને કેટલાક પોલીસ અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ કમિશનરે દિનેશ કલગી અને તેના ગોડફાધર મહેન્દ્ર કલગીની ગતિવિધિઓ પર નજર રાખવા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે કલગીના ગુપ્ત મોબાઈલ નંબરો મેળવીને તેનું મોનિટરિંગ શરૂ કર્યું હતું. મોનિટરિંગ દરમિયાન રાજુ મુરલી અને વિનોદ લોટરી સાથે તેની વારંવાર વાતચીત, દર્પણ છ રસ્તાના મોબાઈલ ટાવર મારફતે થતી હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ આરંભી હતી અને અંતે કલગીનું જુગારધામ શોધી દરોડા પાડ્યા હતા.
ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં બુકીઓ પર સેન્ટ્રલ આઈબીની ટીમ બાજનજર રાખશે
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૪ નવેમ્બરથી શરૂ થનારી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન ગુજરાતના બુકીઓ પર નજર રાખવા સેન્ટ્રલ આઈબીની ટીમ અમદાવાદ આવશે. જ્યારે ગુજરાતના બુકીઓ પર સ્ટેટ આઈબી, એટીએસ,ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસને પણ બાજનજર રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
મંજુરી વિના ક્રિકેટરો અંગત મુલાકાત નહીં લઈ શકે
બંને ટીમના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમના ખાવા-પીવા-હરવા-ફરવા સહિતની ક્રિયા પર પોલીસની બાજનજર રહેશે,જ્યારે મોબાઈલ ફોન વાપરી નહીં શકે. આ ઉપરાંત સુરક્ષાનાં પાસાઓને ધ્યાનમાં રાખી ખેલાડીઓ પોલીસની મંજૂરી વગર અંગત મુલાકાત પણ લઇ શકશે નહીં.
બંને ટીમના ખેલાડીઓ તેમજ મેચ જોવા આવનારા પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખેલાડીઓ રોકાયા છે તે હોટેલ અને ગ્રાઉન્ડ પર ૧૦ નવેમ્બર સુધી રાઉન્ડ ધી કલોક ૧૫૦૦ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ખેલાડીઓની સુરક્ષા માટે હોટેલ-ગ્રાઉન્ડ પર ચેતક કમાન્ડો તહેનાત રહેશે. ઉપરાંત ગ્રાઉન્ડના પાર્કિંગની વીડિયોગ્રાફી અને એન્ટ્રી ગેટ સીસી ટીવી કેમેરાથી સજ્જ કરાશે.