રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે માઈક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) સેક્ટરમાં સફળ થનારા ઉદ્યોગોને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત બેંકને પણ આ માટે એવોર્ડ આપ્યા છે.
આ એવોર્ડ મેળવવા બદલ ઉદ્યોગોને અભિનંદન આપતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ એવોર્ડ નાના અને મધ્યમ ઉદ્યોગોને સફળતાના નવાં શિખરો સર કરવા માટે પ્રેરણા આપતાં રહેશે. ભારતમાં કુલ ઉત્પાદનના ૪૫ ટકા ઉત્પાદન નાના અને મદ્યમકદના ઉદ્યોગો કરે છે અને નિકાસમાં આ ઉદ્યોગોનો ૪૦ ટકા ફાળો છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ નાના અને મદ્યમઉદ્યોગોને સંબોધતા કહ્યું હતું કે ‘આવા ઉદ્યોગો સતત વધુને વધુ ઉત્પાદન કરવા માટે નવા રસ્તાઓ અને સાધનો વિકસાવતાં રહે અને તેની સાથે ગુણવતા પર પણ ધ્યાન આપે.’
આ પ્રસંગે રાજ્યકક્ષાના એમએસએમઈ મંત્રી દિનશા પટેલે કહ્યું હતું કે ‘એમએસ એમઈ સેક્ટરમાં ખાસ કરીને ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગોએ ઉત્પાદન , એન્ટરપ્રાઈઝ અને રોજગારી નિર્માણક્ષેત્રે ઘણો વિકાસ કર્યો છે અને દેશના ઉત્પાદન અને નિકાસમાં આ ઉદ્યોગોનું મોટું પ્રદાન છે. આ ઉદ્યોગો નવા સાહસિક માટે શીખવાની તક પૂરી પાડે છે.’