- ફોન ટ્રેસિંગના આધારે જુહાપુરા, અમરાઇવાડી, દાણીલીમડામાં પોલીસની દોડાદોડ
- અમુક સ્થળે ફોનનું લોકેશન મળ્યા બાદ ગાયબ થઈ ગયું હોવાની ચર્ચા
- આતંકવાદી જુથ ઈન્ડિયન મુજાહિદ્દીન, લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહંમદ સંયુક્ત રીતે હુમલો કરે તેવી ચેતવણી
અમદાવાદ-મુંબઇમાં આતંકવાદીઓ ઘૂસ્યાના અહેવાલને પગલે પોલીસે દોડતી થઈ ગઈ છે. અમદાવાદમાં મંગળવારે રાતથી જ પોલીસે આતંકવાદીઓને શોધવા કવાયત શરૂ કરી દીધી હતી. જુહાપુરા, અમરાઈવાડી અને દાણીલીમડામાં શંકાસ્પદ ફોન નંબરોના લોકેશન મળતાં, પોલીસે આ વિસ્તારોને ધમરોળ્યા હતા, પરંતુ ફોન લોકેશન સતત બદલાતા હોવાથી પોલીસ શંકાસ્પદ ઈસમો સુધી પહોંચી શકી ન હતી.
બીજી બાજુ આતંકી જુથો ઈન્ડીયન મુજાહિદ્દીન, લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહંમદે સંયુક્ત રીતે હુમલાની યોજના બનાવી હોવાનું મનાય છે. ગુજરાતમાં પતંગોત્સવથી લઇને સ્વર્ણિમ ગુજરાતની મેમાં થનારી ઉજવણી સુધી હુમલાની દહેશત હોવાનું પોલીસે કહ્યું હતું.
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તરફથી નક્કર માહિતી મળતા જ, અમદાવાદ પોલીસ કમિશનર અમિતાભ પાઠકે મંગળવારે રાત્રે એટીએસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી દિવસોમાં નાતાલ, નવા વર્ષ, કાંકરિયા કાર્નિવલ, ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ઉત્તરાયણ જેવા ઉત્સવો આવતા હોવાથી આંતકવાદીઓને ફાવતું વાતાવરણ મળી રહેશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ બેઠક બાદ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સક્રિય થઈ હતી. બાતમીદારો તરફથી મળતી માહિતી પ્રમાણે પોલીસે અમુક રહેણાકના વિસ્તારો, ચાની કીટલીઓ ઉપર છાપા માર્યા હતા. જો કે આ શોધઅભિયાનમાં પોલીસને કોઈ ખાસ સફળતા મળી ન હતી.