- ઇન્સ્પેક્ટરની તાત્કાલિક કંટ્રોલરૂમમાં ટ્રાન્સફર કરવામાં આવી
- સ્થાનિક ઇન્સ્પેક્ટરની જાણ બહાર દરોડા પડાતાં ઝોન-પના રીડર સબ ઇન્સ્પેક્ટરને જાહેરમાં તતડાવ્યા
અમરાઈવાડી વિસ્તારમાં ઝોન-પનાં ડીસીપી પરીક્ષિતા રાઠોડની સ્ક્વોડે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની જાણ બહાર દારૂના અડ્ડા પર દરોડા પાડતાં ઇન્સ્પેક્ટર એટલી હદે વિફર્યા હતા કે, તેમણે દરોડા પાડનાર સ્ક્વોડના સબ ઇન્સ્પેક્ટર સાથે જાહેરમાં તુ તુ-મૈં મૈં કરી હતી અને 'તારે શું જરૂર હતી મારી જાણબહાર દરોડા પાડવાની’ એમ કહી તતડાવતાં ડીસીપીએ અમરાઈવાડી પોલીસ મથકના ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમમાં બદલી કરવા પોલીસ કમિશનરને કહ્યું હતું. જેના આધારે તેમને અમરાઈવાડીથી કંટ્રોલરૂમ ખસેડવામાં આવતાં પોલીસબેડામાં હાહાકાર મચી ગયો છે. તેમની જગ્યાએ ખોખરા પોલીસ સ્ટેશન પીઆઈ એમ.ડી. ઉપાધ્યાયને ચાર્જ સોંપાયો છે.
થોડા દિવસ પહેલાં ડીસીપી પરીક્ષિતા રાઠોડની સ્ક્વોડના પીએસઆઇ પંડયાને બાતમી મળી હતી કે, અમરાઈવાડી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની નજીક દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે, તેથી તેમણે તેમની ટીમ સાથે ત્યાં દરોડો પાડયો હતો. આ દરોડાથી અમરાઈવાડીના ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈ એટલી હદે ઉશ્કેરાયા હતા કે તેમણે પીએસઆઇ પંડયાનો પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને તેમને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો. ઇન્સ્પેક્ટરને એ ચિંતા હતી કે પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર ડીસીપી સ્ક્વોડના પીએસઆઇએ દરોડા પાડતાં તેમની સામે કાર્યવાહી કરાશે.
બીજી બાજુ ઇન્સ્પેક્ટર દેસાઈના વર્તનથી ખરા પીએસઆઇ પંડયાએ આ વાતની જાણ ડીસીપી પરીક્ષિતા રાઠોડને કરતાં તેમણે આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને ઇન્સ્પેક્ટરના ગેરશિસ્તની વાત પોલીસ કમિશનર એસ.કે. સાઇકિયાને કરી હતી. જેના આધારે પોલીસ કમિશનરે ત્વરિત પગલાં ભરીને ઇન્સ્પેક્ટર દેસાઈની બદલી કંટ્રોલરૂમમાં કરી દીધી હતી. આ વાત આગની જેમ ફેલાતાં પોલીસબેડામાં ચકચાર મચી હતી. એટલું જ નહીં શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલતા અમુક દારૂના અડ્ડાને પોલીસે ખુદ થોડા સમય સુધી બંધ કરવા સૂચના આપી દીધી હતી, જેથી તેમની સામે કાર્યવાહી ન થાય.
'હા, ઇન્સ્પેક્ટરે સબ ઇન્સ્પેક્ટર સાથે તુ તુ મૈં મૈં કરી હતી’
તાજેતરમાં દારૂના અડ્ડા પર પાડેલા દરોડાના કારણે સ્થાનિક ઇન્સ્પેક્ટર નારાજ હતા, જેથી તેમણે રીડર પી.એસ.ને ઠપકો આપ્યો હતો. આ ગંભીર વાત હોવાથી તેમની ટ્રાન્સફર કંટ્રોલ રૂમમાં કરી દેવાઈ છે.’ - પરીક્ષિતા રાઠોડ, ડીસીપી ઝોન-પ