પોલીસડોગ ગોળ-ગોળ ફરતો રહ્યો : એફએસએલની તપાસમાં પણ કોઈ કડી ન મળી
ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા
શહેરમાં તસ્કરોએ ફરી આતંક મચાવ્યો છે. રામોલ વિસ્તારમાં આવેલી ફેબ્રિકેશન પાર્ટ બનાવતી ફેક્ટરીની ઓફિસમાંથી તસ્કરો તિજોરી તોડીને ૧૦ લાખ પ૦ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળસિંહ શૈતાનસિંહ કુંપાવત (રહે. સુમુખ એપાર્ટમેન્ટ, સૂર્યનગર, જવાહર ચોક મણિનગર)એ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ શકરીબા પાર્ટી પ્લોટ નજીક આવેલા દશરથભાઈ એસ્ટેટ નંબર-૪ માં હિમાદ્રી ઇન્ડસ્ટ્રીઝ નામના કંપની આવેલી છે. ૮મી ફેબ્રુઆરીએ રાતે ૮-૩૦થી ૯મી ફેબ્રુઆરીના સવારે ૮-૩૦ વાગ્યાના અરસામાં તેમની ઓફિસની બારીની ગ્રીલ તોડી કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કર્યો હતો, જેમાં રહેલી તિજોરીમાં તેમણે પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટોના ૧૦.પ૦ લાખનાં બંડલો મૂક્યાં હતાં તેની ચોરી કરી આ અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.
રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ સી.એલ. સોલંકીએ જણાવ્યું હતું કે, આ ચોરીની તપાસમાં મદદ માટે અમે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લીધી હતી, પરંતુ અમને હજી સુધી કોઈ કડી મળી નથી. ચોરીના સ્થળ પરથી અમને કોઈ ફિંગર પ્રિન્ટ પણ મળી નથી, જેથી અમને એવી શંકા છે કે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ વ્યક્તિ જ હોઈ શકે છે.