બાળકી ગુમ થયાને અઠવાડિયું થયું છતાં કોઈ ભાળ મળતી નથી
આનંદનગરના મીરામંગલ એપા.ની વિશ્વા પટેલ(ઉં.૧૧)ને ગુમ થયાને અઠવાડિયું થવા આવ્યું હોવા છતાં તેની ભાળ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી છે. બીજી તરફ આટલા દિવસોમાં તપાસમાં શું થયું અને હવે તપાસ કઇ દિશામાં કરવી જોઇએ તેના માટે જોઇન્ટ પોલીસ કમિશનર સેક્ટર-૧ અજય તોમરે અધિકારીઓની રિવ્યૂ મિટિંગ લીધી હતી. જોકે રાજ્યમાંથી મોટી સંખ્યામાં બાળકો ગુમ થતા હોવાથી તે દિશામાં કામ કરી રહેલા સીઆઇડી ક્રાઇમના હ્યુમન ટ્રાફિકિંગ સેલની પણ વિશ્વાની શોધ માટે મદદ લેવાશે.
મીરામંગલ એપા.માં રહેતી અને ગત શુક્રવારે પિતા સાથે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જમવા માટે ગયેલી વિશ્વા સુરેશભાઇ પટેલ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં તેને શોધવા માટે આનંદનગર પોલીસ ઉપરાંત શહેરભરની પોલીસ કામે લાગી ગઇ છે. વિશ્વાને ગુમ થયાને છ-છ દિવસ પૂરા થયા હોવા છતાં પોલીસને તેની ભાળ કે કોઇ કડી મળતી નથી જેને લઇને પોલીસ દિશાહીન બની રહી છે.
આ છ દિવસમાં પોલીસે કઇ દિશામાં તપાસ કરી તે અંગેની એક રિવ્યૂ મિટિંગમાં અજય તોમરે એસીપી પી.સી.જોષી. પીઆઇ એમ.એસ .સિંધા તથા પોસઇ કે.એમ.ગોસ્વામી સાથે બેઠક કરી કઇ દિશામાં તપાસ કરવી જોઇએ તે અંગે ચર્ચા કરી હતી. વિશ્વાની શોધખોળ માટે પોલીસે સીઆઇડી ક્રાઇમના હ્યુમન ટ્રાફિકિંગ સેલની મદદ લેવાનું નક્કી કર્યું હતું.