બંને અધિકારીઓ પર ફરજમાં બેદરકારીનો આરોપ: સીટે પી.બી. ગોંદિયાનો બચાવ કર્યો
રમખાણોમાં નરોડા પાટિયા-ગુલબર્ગ સોસાયટી આ બંને અધિકારીઓના તાબા હેઠળ હતાં
ગુજરાતનાં રમખાણોમાં તપાસ કરી રહેલી સીટે અદાલતમાં રજૂ કરેલો ક્લોઝર રિપોર્ટ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડે, તત્કાલીન ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા, તત્કાલીન આઇજી એમ.કે. ટંડન અને તત્કાલીન ડીસીપી પી.બી. ગોંદિયાની આજુબાજુ ફરે છે. સીટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભડકાઉ ભાષણો અને નિવેદનોના મુદ્દાને બાદ કરતાં લગભગ તમામ મોરચે ક્લીનચીટ આપી છે, પરંતુ બે પોલીસ અધિકારીઓ એમ.કે. ટંડન અને પી.બી. ગોંદિયાનો ખૂલીને સીટ બચાવી કરી શકી નથી. તેથી સીટના રિપોર્ટના આધારે આ બંને પોલીસ અધિકારીઓ મુશ્કેલીમાં આવી શકે છે.
સીટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રમખાણો દરમિયાન સૌથી અસરગ્રસ્ત એવા નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી આ બંને અધિકારીઓના તાબા હેઠળ હતાં. તેમના પર આરોપ હતો કે જ્યારે હિંસા ભડકી રહી હતી અને તોફાનીઓ કત્લેઆમ મચાવી રહ્યા હતા ત્યારે આ બંને અધિકારીઓએ લોકોને બચાવવા કોઈ અસરકારક કામગીરી કરી ન હતી. એટલું જ નહીં તત્કાલીન આઇજી અને હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા એમ.કે. ટંડન તો સ્થળ પર હાજર પણ ન હતા.
ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ સર્જાયો તેના કલાક પહેલાં તેઓ સ્થળ પર હતા, પરંતુ ત્યારબાદ ત્યાં દેખાયા ન હતા. ફરિયાદી પક્ષ તરફથી રજૂ કરાયેલા મોબાઇલ કોલ રેકોડ્ર્સમાં પણ એમ.કે. ટંડનનું લોકેશન બીજા સ્થળે બોલતું હોવાથી સીટ ખૂલીને તેમનો બચાવી કરી શકી નથી. જો કે પી.બી. ગોંદિયા બાબતે સીટે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, તેમણે તોફાની ટોળાને વિખેરવા ગોળીબારના આદેશ આપ્યા હતા અને તેમાં મુસ્લિમો કરતાં હિન્દુઓનાં વધુ મોત નીપજ્યાં હતાં. આ મુદ્દો પી.બી. ગોંદિયાની તરફેણમાં છે. જો કે મહત્ત્વની વાત એ છે કે સીટનો રિપોર્ટ આવે તેના મહિનાઓ પહેલાં સીઆઇડી ક્રાઇમમાં આઇજી તરીકે ફરજ બજાવી રહેલા પી.બી. ગોંદિયાની બદલી સિવિલ ડિફેન્સ જેવી ઓછી મહત્ત્વની જગ્યાએ કરી દેવાઈ હતી.
હવે શું થશે...
૧૩મી ફેબ્રુ.એ અદાલત સીટનો ક્લોઝર રિપોર્ટ જોયા બાદ ફરિયાદી ઝકિયા ઝાફરીને બોલાવી માત્ર તેમને અહેવાલની કોપી આપી રિપોર્ટ પર તેમની પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કરશે. રિપોર્ટના પૂરા અધ્યયન બાદ ફરિયાદી પક્ષ પોતાના વાંધા અદાલતમાં રજૂ કરશે અને તેની સુનાવણી બાદ અદાલત સીટના આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ગોરધન ઝડફિયા, પ્રશાંતચંદ્ર પાડે, એમ.કે. ટંડન અને પી.બી. ગોંદિયા સહિતના લોકો સામે ચાર્જ ફ્રેમ કરવા કે નહીં તેનો આદેશ આપશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સીટ દ્વારા મોદીને ક્લીન ચીટ આપવાથી અદાલત પણ તેમની સામે કોઈ પગલાં નહીં લે તે માનવાને કોઈ કારણ નથી. જો અદાલતને લાગશે કે તેમની સામે ચાર્જ ફ્રેમ કરવા જેવો છે તો તે આદેશ પણ કરી શકે છે.
સીટના કાગળિયાની ઝેરોક્ષનો ખર્ચ R ૭૦૦૦૦
સીટે અદાલત સમક્ષ લગભગ ૧૦૦૦ પાનાંનો રિપોર્ટ અને તેની સાથે પેટી ભરીને દસ્તાવેજો અને નિવેદનો રજૂ કર્યાં છે. આ તમામ કાગળિયાની સંખ્યા લગભગ સવા લાખ જેટલી જાય છે. આ કાગળિયાની ઝેરોક્ષ કરાવવામાં સીટને R ૭૦૦૦૦નો ખર્ચ થયો હતો.