‘સરહદ પારની મારી રાધા’ શુક્રવારે જ ગુજરાતભરના થિયેટરોમાં રિલીઝ થઈ
ભારત અને પાકિસ્તાનના પ્રેમી યુગલને જોડતી ગુજરાતી ફિલ્મ ‘સરહદ પારની મારી રાધા’ શુક્રવારે જ ગુજરાતભરના થિયેટરોમાં રિલીઝ થઇ છે. ત્યારે આ ફિલ્મના ડાઈલોગ અને સીનનો ઓલ ઇન્ડિયા માઇનોરિટી સેલ દ્વારા વિરોધ કરી આ વાંધાજનક ડાઈલોગ અને સીન દૂર કરવા માંગણી કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા માયનોરિટી સેલ લોકતાંત્રિક જનતા ફ્રન્ટના પ્રમુખ એમ.એમ. અંસારી સાથે આ મુદ્દે ટેલિફોન પર વાતચીત કરતાં તેમણે જણાવ્યુંહતું કે એક તરફ ભારત -પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે તેવો પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે આ ફિલ્મમાં પાકિસ્તાનના લશ્કરના અધિકારી અલી ખાન બનેલ રાકેશ પાંડેને એક ડાઈલોગમાં હિન્દુસ્તાની લશ્કરના અધિકારી કનોડિયા એવું કહે છે કે‘ જો ભારતભરના લોકો એક સાથે પેશાબ કરે તો પણ પાકિસ્તાન તણાઇ જાય’- અને એક સીનમાં અલી ખાનને માર્યા બાદ તેને ઊંધો જમીનમાં દાટી દેવામાં આવે છે, જેમાં પગ બહાર રાખવામાં આવે છે.
આ સીનનો વિરોધ કરતાં એમ.એમ.અંસારીએ જણાવ્યું હતું કે મારીને તેને દાટવાનો સીન હોય તો તેને ધર્મ મુજબ પૂરો દાટવો જોઇએ કે જેથી કોઇની ધાર્મિક લાગણી દુભાય નહિ. આ બાબતનો વિરોધ કરતાં તેમણે સેન્સર બોર્ડ, ગુજરાતના મુખ્યમંત્રી અને ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ પત્ર લખ્યો હોવાનું એમ.એમ.અંસારીએ જણાવ્યું હતું.