કેન્દ્ર સરકાર જાણે ગુજરાત દુશ્મન દેશ હોય તેવો વ્યવહાર કરી રહી છે, ન્યાયતંત્રનું અપમાન ક્યારેય સહન નહીં લઉં
સીબીઆઇ દ્વારા સોહરાબુદ્દીન કેસને ગુજરાત બહાર લઇ જવાની સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીના અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર અને સીબીઆઇનો આડા હાથે ઉધડો લીધો હતો. મોદીએ ગુજરાત યુનિવર્સિટીના વૃક્ષારોપાણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સમક્ષ કેન્દ્ર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દિલ્હીવાળાઓ ગુજરાતને પોતાનો હિસ્સો નથી ગણતા. છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીની ગાદી ઉપર બેઠેલા લોકો ગુજરાત હિન્દુસ્તાનું કોઇ દુશ્મન રાષ્ટ્ર હોય તેવો વ્યવહાર કરે છે.
ભારતના બીજા અનેક ભાગમાં ઘટનાઓ બને છે પરતું તેમને માત્રને માત્ર ગુજરાત જ દેખાય છે. મુખ્યમંત્રી મોદીએ જાણતા-અજાણતા સુપ્રીમ કોર્ટની પણ ટીકા કરી હતી. બિલ્કીસ બાનુ અને બેસ્ટ બેકરી કેસનો હવાલો આપીને તેમણે જણાવ્યું હતું કે આ બંને કેસમાં ગુજરાત પોલીસે જ તપાસ કરી હતી. સાક્ષી, ચાર્જશીટ અને પુરાવા ગુજરાત પોલીસે જ આપ્યા હતા. જો ગુજરાત પોલીસે તટસ્થ તપાસ ન કરી હોત તો આરોપીઓને સજા ન થાત. તેમણે આવું કરીને ગુજરાતની ન્યાય પ્રણાલિનું અપમાન કરી આ કેસ રાજ્ય બહાર ગયા હતા.
મુખ્યમંત્રી મોદીએ વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર મિજાજ બતાવી સીબીઆઇ ઉપર પસ્તાળ પડી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની પોલીસ બાદ હવે ન્યાયતંત્ર પર તેઓ આંગળી ચિંધી રહ્યા છે. સીબીઆઇ કહે છે કે સૌહરાબ કેસમાં ગુજરાતની ન્યાય પ્રણાલિ ઉપર અમને વિશ્વાસ નથી. શું તે ગુજરાતના ન્યાયધીશો, વકીલો, લો કોલેજોનું અપમાન નથી ? શું આ લોકોના કારણે આપણી કોર્ટને તાળા મારી દેવા? લો કોલેજો બંધ કરી દેવી? વકીલોઓ પ્રેકટીસ બંધ કરી દેવી ?
મોદીએ કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ દાખલા આપીને જણાવ્યું હતું કે બિલ્કીસ બાનુ કેસ અને બેસ્ટ બેકરી કેસ રાજ્ય બહાર લઇ જવાયા હતા. આ બંને કેસમાં ગુજરાત પોલીસે અપેલા પુરાવા, સાક્ષીઓ અને ચાર્જશીટનો જ ઉપયોગ થયો હતો. તપાસ પણ ગુજરાત પોલીસની જ હતી.
ફરક માત્ર એટલો હતો કે વડોદરાને બદલે બીજા રાજ્યના જજે આ ચુકાદો આપ્યો હતો. બાદ જે આ બન્ને કેસમા જે ચુકાદા આવ્યા છે તેમા કસુરવારોને સજા પણ થઇ છે. જો ગુજરાત પોલીસે યોગ્ય તપાસ ન કરી હોય તો આ બધું શકય બનત ખરું ? આ કેસમાં સીબીઆઇએ પણ તપાસ કરી હતી પરતું તેમણે એક કોન્સ્ટેબલ સિવાઇ કોઇ વધારે વ્યક્તિને આ કેસમા ફિટ ન કરી શક્યા. તો સીબીઆઇ સાચી છે ગુજરાત પોલીસ ?
મોદીએ મણીપુરની મનોરમા દેવીનો દાખલો આપી જણાવ્યું હતું કે આ બાઇની ઉપર બળાત્કાર કરી હત્યા પોલીસ અધિકારીઓએ જ કરી નાંખી હતી. બાદમા તેને ત્રાસવાદી ખપાવી એન્કાઉન્ટની સ્ટોરી બનાવી દેવામાં આવી હતી. આ કેસમાં ન્યાય માટે મણિપુરની મહિલાઓએ સીબીઆઇ કચેરી સામ નગ્ન થઇ વિરોધ કર્યા હતો. આ તપાસ પણ સીબીઆઇ પાસે છે. આજે આટલા વર્ષ પછી પણ સીબીઆઇ હજુ સુધી કસુરવારોની પકડી શકી નથી. શું આ તપાસ રાજકીય ગણિત નથી.
૨૦૦૯ની લોકસભાની ચૂંટણીની જેમ આજે મુખ્યમંત્રી મોદીએ ખુલીને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં જેલમાં પૂરાયેલા પોલીસ અધિકારોઓની તરફદારી કરી હતી. સૌહરાબુદ્દીન એનકાઉન્ટરનું નામ લીધા વગર તેમણે જણાવ્યું હતું કે ૪૦૦ જેટલા ત્રાસવાદી અને બોમ્બ બ્લાસ્ટ સાથે સંકળાયેલા લોકોને જેલમાં પૂરનાર આ અધિકારીની એ વાત કોઇએ ધ્યાને લીધી નથી.
ગુજરાત પોલીસે ત્રાસવાદીની પકડી લીધા બાદ ક્યાંય ત્રાસવાદી હુમલો થયો છે ? દિલ્હીના નેતાઓ આવા બાહોશ અધિકારીને હેરાન કરે છે. રધુનાથ મંદિર, મુંબઇ ટ્રેન, અયોધ્યા, જયપુર વગેરેમાં ત્રાસવાદી હુમલા થયા છે, ત્યાં કોઇ ત્રાસવાદી પકડાયા છે ? ગુજરાત પોલીસે આ કામ કરી બતાવાવ્યું ? અક્ષરધામના હુમલાખોરોને પકડીને સજા પણ ગુજરાતે જ આપી છે.
તસવીરોઃ વિજય ઝવેરી