મોદીએ રાહુલ, સોનિયા અને PM સામે જાહેરસભામાં કર્યો કટાક્ષ

- હાર ભાળી ગયેલી કોંગ્રેસ વોટબેન્કની રાજનીતિ કરી રહી છે: નરેન્દ્ર મોદી
- વડાપ્રધાન, સોનિયા અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી
- દાણીલીમડા, જમાલપુર અને દરિયાપુરમાં જાહેરસભા સંબોધતાં મુખ્યમંત્રી
ગુજરાતમાં લઘુમતીઓ સલામત નથી તેવા વડાપ્રધાનના નિવેદન સામે વળતો પ્રહાર કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં સામી હાર ભાળી ગયેલાં કોંગ્રેસના નેતાઓ હવે તેમની જૂનીને જાણીતી વોટબેન્કની રાજનીતિ ઉપર ઉતરી આવ્યા છે, પરંતુ ગુજરાતની છ કરોડની જનતા તેમને જાકારો આપવાની છે.
કોંગ્રેસના વર્ચસ્વવાળી ગણાતી દાણીલીમડા, દરિયાપુર તથા જમાલપુર બેઠકના ઉમેદવારોના પ્રચાર માટે અનુક્રમે ગોમતીપુર, ઘીકાંટા અને બહેરામપુરા વિસ્તારમાં યોજાયેલી જંગી જાહેર સભાઓમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને વડાપ્રધાન ડો. મનમોહનસિંઘની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને દેશની દુર્દશા માટે જવાબદાર ઠેરવતાં ગુજરાતની શાસનધુરા સંભાળવા નીકળી પડ્યા હોવાનો કટાક્ષ કર્યો હતો.
'તમે પંદર દિવસ માટે ઘરે તાળાં મારીને બહાર જાવ ત્યારે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાવ છો ? નહીં ને, તો પછી ગુજરાત કોઈ અજાણ્યાને કેવી રીતે સોંપાય. હું તો જાણીતો છું, તમે મને વર્ષોથી ઓળખો છો.’ કોંગ્રેસની જમાત તો દિલ્હીને લૂંટીને હવે ગુજરાતને ખંખેરવા ઉતરી આવી છે ત્યારે ગાંધીનગરનો ચોકીદાર તેવુ થવા નહિ દે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
એક પછી એક એમ ત્રણ ત્રણ જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રીએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર, મનમોહનસિંઘ, સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા. સોનિયા પર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી ગુજરાત આવ્યા પરંતુ તેમણે મોંઘવારી પર બે શબ્દો પણ બોલવાની ફુરસત મળી નહોતી. સોનિયાને ગરીબોની પડી નથી. ગરીબોની આંતરડીઓ કકળી રહી છે અને તેનાથી કોંગ્રેસ ભસ્મીભૂત થઈ જશે. વડાપ્રધાન મનમોહનસિંઘના નિવેદનો સામે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મનમોહનસિંઘે ગુજરાત આવી વિકાસની વાત કરવાના બદલે વોટ બેન્કના રાજકારણનો ખેલ ખેલ્યો છે. દેશવિદેશમાં નિષ્ણાત અર્થશાસ્ત્રી તરીકે જાણીતા અને પીએમ પદ ધરાવતા માણસને વોટ બેન્કનું રાજકારણ શોભતું નથી. લઘુમતી અંગેના મનમોહનસિંઘના નિવેદન અંગે મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત છેલ્લા દશ વર્ષથી સુખ શાંતિથી જીવી રહ્યું છે, જેમાં તમે ફાચર મારવાની કોશિષ કરી રહ્યા છો.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું હતું કે, રાહુલબાબા ગુજરાતમાં યુવાનો બેકાર છે તેવું નિવેદન કર્યું છે. પરંતુ ૨૦૦૯માં કોંગ્રેસે દેશના યુવાનોને વચન આપ્યું હતું કે ૧ કરોડ યુવાનોને રોજગારી આપશે. પરંતુ તેમણે રોજગારી નહીં આપી યુવાનોના પીઠમાં ખંજર ભોંક્યું છે. તેની સામે કેન્દ્રના આંકડા પ્રમાણે જ ગુજરાતમાં સૌથી ઓછા યુવાનો બેકાર છે.
તસવીરો: કલ્પેશ ભટ્ટ





