અમદાવાદમાં છેલ્લાં ૧૧ વર્ષની રેકોર્ડ બ્રેક પ.૨ ડિગ્રી ઠંડીથી ઠંડુંગાર
માઉન્ટ આબુ- માઇનસ ૨, દાંતીવાડા-૧, મહેસાણા - ૨.૮ અને ધારીમાં ૨.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને પગલે ઉત્તર દિશાથી શરૂ થયેલા કાતિલ ઠંડા પવનને પગલે સમગ્ર રાજ્ય ઠંડુંગાર બની ગયું હતું, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ગુરુવારે ઠંડા પવનનું પ્રમાણ ઘટતાં અમદાવાદનું લઘુતમ તાપમાન અચાનક ઘટીને પ.૨ ડિગ્રી પહોંચી ગયું છે, જે છેલ્લાં ૧૧ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ છે. આ અગાઉ વર્ષ- ૨૦૦૦માં અમદાવાદનું તાપમાન ૪.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડયું હતું. એટલું જ નહીં ગાંધીનગરમાં વર્ષ-૧૯૯૧ પછી પ્રથમવાર રેકોર્ડ બ્રેક ૩.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. (રાજ્યના અન્ય વિસ્તારોમાં ઠંડી વિશે વાંચવા ક્લીક કરો રીલેટેડ આર્ટીકલ)
ઠંડા પવનની ગતિ ઘટવાથી બેઠા ઠારને કારણે રાજ્યના મહેસાણા, ગાંધીનગર, દાંતીવાડા, ડીસા, ધારી અને આણંદ પણ ઠંડાગાર બની જતાં ગાત્રો થીજવતી કાતિલ ઠંડીથી લોકો ઠરી ગયા હતા, તેમજ ઠંડીને કારણે મોડાસામાં સિંચાઈના એક કર્મચારીનું ફરજ દરમિયાન મોત અને કપાસ, એરંડા જેવા પાકને નુકસાન અને ઘઉં, ચણા અને શેરડીના પાકને ફાયદો થયો છે. જ્યારે હિલ સ્ટેશન આબુમાં પણ ઠંડીનો પારો ગગડીને માઇનસ બે ડિગ્રી થયો હોવાનું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગના આંકડા મુજબ ગુરુવારે અમદાવાદમાં છેલ્લાં ૧૧ વર્ષ બાદ પ્રથમવાર લઘુતમ તાપમાન ગગડીને પ.૨ ડિગ્રી ગગડયું છે. એટલે કે બુધવારે અમદાવાદમાં ૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ ગુરુવારે એક જ દિવસમાં ઠંડીનો પારો ૪૪. ડિગ્રી ગગડી જતાં ગાત્રો થીજવતી ઠંડીને કારણે ઠેર ઠેર લોકોએ તાપણાં તેમજ સાંજ પડતાં જ ઠંડીથી બચવા માટે લોકોએ ઘર તરફ દોટ મૂકી હતી અને હીટરનો આશરો લેવાની ફરજ પડી હતી.
જ્યારે બુધવારે રાજ્યમાં સૌથી ઠંડાગાર સાબિત થયેલા નલિયામાં ઠંડીનો પારો ૦.૦૮થી વધીને ૨.૦ ડિગ્રી પર પહોંચતાં ઠંડીમાં અંશત: ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ અમદાવાદની જેમ ગાંધીનગરનું લઘુતમ તાપમાન ગગડીને ૩.પ ડિગ્રી, મહેસાણામાં ૨.૮, દાંતીવાડા ૧.૦, ધારી ૨.૯ સાથે ઠંડાગાર બની ગયાં છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે, પરંતુ રવિવાર પછી ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે.
કયા શહેરમાં કેટલી ઠંડી નોંધાઈ
અમદાવાદ - પ.૨, માઉન્ટ આબુ- માઇનસ ૨.૦, દાંતીવાડા- ૧.૦, નલીયા- ૨.૦, ધારી- ૨.૯, મહેસાણા- ૨.૮, પોરબંદર- ૪.૦, ડીસા- ૪.૪, આણંદ- ૪.૭, વલસાડ- પ.પ, ભુજ- ૬.૦, ભાવનગર- ૭.૭, કંડલા- ૯.૪, માંડવી- ૧૧.૦, ગાંધીનગર- ૩.પ, પંચમહાલ- ૧૧.૦, વડોદરા- ૭.૦, રાજકોટ- ૭.૨, અમરેલી- પ.૭, પોરબંદર- ૬.૧, સુરત- ૯.૩ અને નવસારીમાં ૯.૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદમાં ૧૦ વર્ષની રેકોર્ડ બ્રેક પ.૨ ડિગ્રી ઠંડી
અમદાવાદમાં ગુરુવારે લઘુતમ તાપમાન પ.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે છેલ્લાં ૧૧ વર્ષ બાદ રેકોર્ડ બ્રેક ઠંડી ગણાય, કારણ કે વર્ષ-૨૦૦૦માં અમદાવાદનું લઘુતમ તાપમાન ૪.૮ ડિગ્રી પહોંચ્યું હતું. ત્યારબાદ ૧૦ વર્ષ બાદ પ.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુરુવારે ઠંડા પવનની ગતિ એકદમ ઓછી થઇ જતાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે. ગુરુવારે રાત્રે ઠંડીનું જોર યથાવત્ રહેશે, પરંતુ રવિવાર સુધી તાપમાન ધીમે ધીમે નોર્મલ થઈ જશે.- કમલજિત રે (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
ઠંડીથી કયા પાકને નુકસાન કોને ફાયદો
ઠંડીથી બટાકા, એરંડા, કપાસ, ઇસબગુલ, જીરુ અને કેળાના પાકને તેમજ પશુચારામાં રજકો, જાર અને મકાઈના પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમજ ઠંડીથી ઘઉં, ચણા, શેરડી અને રાયડાના પાકને ફાયદો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે.
મોડાસામાં સિંચાઈના કર્મચારીનું મોત
મોડાસા તાલુકાના કૂણા ગામના વતની અને મોડાસાની સિંચાઈ કચેરીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા રામાભાઈ સોમાભાઈ ખાંટ (ઉં.વ. પ૬) બુધવારે રાત્રે ફરજ બજાવી વહેલી સવારે ઘરે પહોંચ્યા બાદ તેમનું મોત થયું હતું, જેથી પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ગાત્રો થીજવતી ઠંડીના કારણે તેમનું હૃદય બંધ પડી જવાથી મોત થયાનું મનાઈ રહ્યું છે.