નિકોલના બેટી બચાવ મેદાનમાં ૪૮ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવમાં પૈસાદાર પરિવારો જોડાતા નથી તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે, પરંતુ શહેરમાં રવિવારે સોળ ગામ લેઉવા પટેલ સમાજના કરોડપતિ પરિવારોએ તેમનાં પુત્ર-પુત્રીનાં લગ્ન જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવમાં સાદગીથી કર્યાં હતાં અને ૧૨ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ લગ્નોત્સવમાં વરરાજાઓ વૈભવી કારમાં આવ્યા હતા, જ્યારે કન્યાઓ ગુલાબની પાંદડીઓ પર ચાલીને લગ્નમંડપમાં પહોંચી હતી. આ ઉપરાંત શહેરના નિકોલમાં 'બેટી બચાવો મેદાનમાં ૪૭ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડયાં હતાં.
પાલડી મ્યુઝિયમના પટાંગણમાં બોડકદેવ, પાલડી, વાસણા, થલતેજ, જોધપુર, ઇસનપુર સહિતના સોળ ગામ લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ૧૭મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના કરોડપતિ પરિવારોનાં પુત્ર-પુત્રીઓ સહિત ૧૨ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ બચાવીને સમૂહ લગ્નોત્સવમાં સાદગીથી લગ્ન કરીને કરોડપતિ પરિવારોએ સામાન્ય લોકોને પણ સમૂહ લગ્નોત્સવમાં જોડાઈને લગ્ન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
શહેરમાં રવિવારે ૩ થી ૪ હજાર લગ્ન યોજાયા
જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના જણાવ્યા મુજબ, રવીવારે ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિમાં ચન્દ્ર હોવાથી ચાલુ મહિનામાં લગ્ન કરવા માટેનુ શ્રેષ્ઠ મુહુર્ત હતુ, જેથી શહેરમાં ૩ થી ૪ હજાર લગ્નો યોજાયા હતા.
વરરાજા વૈભવી કારમાં આવ્યા હતા
કરોડપતિ પરિવારનાં લગ્ન હોય અને વૈભવી કાર ન હોય તેવું બને નહીં. સોળ ગામ લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવમાં પણ કરોડપતિ પરિવારનાં સંતાનો લીમોઝીન, આઉડી, મર્સિડીઝ જેવી વૈભવી કારમાં આવ્યા હતા.
ઇકોફ્રેન્ડલી ચોરીમાં લગ્ન યોજાયાં
કરોડપતિ પરિવારના સમૂહ લગ્નોત્સવમાં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ઇકોફ્રેન્ડલી ચોરીમાં લગ્ન સંપન્ન થયાં હતાં. લગ્ન માટેની ચોરી કેળનાં પાંદડાં, ફૂલ અને કંતાનનો ઉપયોગ કરીને જ્ઞાતિના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી હતી.