જમીન લે-વેચનું કામ કરતો કેતન લેણદારોથી એટલો ત્રાસી ગયો હતો કે આખરે મોતને વહાલું કરી લીધું
દેવું થઇ જતાં લેણદારોના ત્રાસથી કંટાળીને મહેસાણાના ગણપતપુરા ગામના યુવકે અમદાવાદની એક હોટેલના રૂમમાં ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. તપાસ દરમિયાન મળેલી સ્યૂસાઇડ નોટમાં તેણે માથે દેવું થઇ જતાં આત્મહત્યા કરી લીધી હોવાનું લખ્યું હતું.
ચાંદખેડા સ્થિત રોયલ પ્લાઝા ખાતે આવેલી હોટેલ રોયલ પાર્કમાંથી રવિવારે બપોરે ચાંદખેડા પોલીસ મથકમાં ફોન આવ્યો હતો કે હોટેલના રૂમ નં-૪૧૪માં કેતન અમૃતલાલ પ્રજાપતિ(ઉં.વ. ૩૨,મૂળ રહે. ગણપતપુરા ગામ, તા.વિસનગર જિ- મહેસાણા)નામના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
પોલીસે હોટેલના રૂમમાં જઈ તપાસ કરતાં તેની પાસેથી મળી સ્યૂસાઇટ નોટમાં કેતને લખ્યું હતું કે તેના માથે ખૂબ જ દેવું થઈ જતાં તે લેણદારોના ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યો છે. હેડ કોન્સ્ટેબલ અજિતસિંહ જવાનસિંહે કેતનના ઘરે સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે તે ગણપતપુરામાં રહેતો હતો અને જમીન લે-વેચનું કામ કરતો હતો. જો કે હવે તેના માટે જવાબદાર લેણદારોની તપાસ થશે.