સોલા સ્થિત લો ગાર્ડન જીમખાના પ્રા. લિ. પર પોલીસના દરોડા બાદ તેના ડાયરેક્ટર મહેન્દ્ર અંબાલાલ પટેલ ઉર્ફે મહેન્દ્ર કલગી વિદેશ ભાગી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. બીજી બાજુ તેનો ભાગીદાર દિનેશ કલગી પણ અન્ડરગ્રાઉન્ડ થઈ જતાં પોલીસે બંનેને પકડવા માટે દેશનાં તમામ એરપોર્ટને તાકીદ કરી છે.
બેદરકારીના કારણે સોલા પોલીસમથકના ઈન્સ્પેકટર અને સબ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવાયા છે તો કલગીના જુગારધામમાંથી જુગાર રમતાં પકડાયેલા મણિનગર પોલીસમથકના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગોહિલ સામે કોઈ જ પગલાં લેવાયાં નથી.
બુટલેગર સાથેની સાંઠગાંઠના આરોપસર નરેન્દ્રસિંહની બદલી થઈ હતી
થોડા સમય પહેલાં સોલા વિસ્તારના એક બુટલેગર પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બુટલેગરની પૂછપરછમાં નરેન્દ્રસિંહ તેને મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જો કે તે કિસ્સો દબાવી દેવામાં આવ્યો હતો. આખરે અખબારોમાં આ અહેવાલ પ્રકાશિત થતાં સોલા પોલીસમથકમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ગોહિલને મણિનગર પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી દેવાયો હતો.