ગુલબર્ગ સોસાયટી હત્યા કાંડ: ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકા અંગેના સીટના ક્લોઝર રિપોર્ટ બાદ પણ પ્રશ્નાર્થ મોદીએ હિન્દુઓની તરફેણમાં સૂચના આપી હોય કે ન આપી હોય, અધિકારીઓએ તેનો અમલ કર્યો નથી: સીટનું તારણ
ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા સામે સીટની ક્લિનચીટ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં બે પિટીશન દાખલ કરતાં કાનૂની જંગ શરૂ થઈ ગયો છે. ગોધરાકાંડ બાદનાં કોમી રમખાણો અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં મોતને ઘાટ ઉતારાયેલા માજી સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝકિયા જાફરીની ફરિયાદમાં તપાસ કરી રહેલી સીટે પોતાના લગભગ ૧૦૦૦ પાનાંના રિપોર્ટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે એક તબક્કે સીટે પોતાના રિપોર્ટમાં એવું પણ ટાંક્યું છે કે, '૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં નરેન્દ્ર મોદીએ તેમના તાબા હેઠળના અધિકારીઓને હિન્દુઓને છૂટો દોર આપવાની સૂચના આપી હોય કે ન આપી હોય, પરંતુ તે અધિકારીઓએ તે સૂચના પર અમલ નથી કર્યો તે વાત સાબિત થાય છે.’
જેથી નરેન્દ્ર મોદીએ ખરેખર એવી સૂચના આપી હતી કે નહીં તે અંગે સીટના ક્લોઝર રિપોર્ટ બાદ પણ મોટો પ્રશ્નાર્થ રહી જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીટનો દાવો છે કે તેઓ એમિક્સ ક્યુરી રાજુ રામચંદ્રને સુપ્રીમને સુપરત કરેલા અહેવાલના માત્ર એક મુદ્દા પર સમંત નથી. તે મુદ્દો નરેન્દ્ર મોદીએ કોમી રમખાણો બાદ આપેલાં ભડકાઉ નિવેદનો અંગેનો છે. સીટે પોતાના રિપોર્ટમાં ટાક્યું છે કે, ૨પમી માર્ચ ૨૦૦૨ના રોજ બહુચરાજીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'હમ પાંચ હમારે પચ્ચીસ’ તેમાં કોમી લાગણી ઉશ્કેરાય તેવું કંઈ જ જણાતું નથી અને તેમાં ગુનાઇત કૃત્ય જેવું કંઈ નથી.
ઉલ્લેખનીય છે કે ઝકિયા જાફરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કરેલા આક્ષેપોના સંદર્ભમાં સીટે મુખ્યમંત્રીની બે દિવસમાં લગભગ ૧૮ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે, તે સમયે નરેન્દ્ર મોદીએ એવો ખુલાસો કર્યો હતો કે, આ નિવેદન મુસ્લિમો પ્રત્યે કરાયું છે તેવું ક્યાંય પ્રસ્થાપિત થતું નથી.
નિર્ણય ખરો હોવાનાં સીટે તારવેલાં કારણો..
૧) સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદની બહાર છે, તેથી અરાજકતા ન ફેલાય.
૨) મૃતદેહોને રાખવા માટે ગોધરામાં કોઈ વ્યવસ્થા ન હતી.
૩) પ૬માંથી માત્ર ૪ મૃતદેહો ઓળખાયા હતા અને બાકીના કડી, ખેડબ્રહ્મા, અમદાવાદના ખોખરા, રખિયાલના હોવાથી તેમના મૃતદેહો અમદાવાદ લાવવાથી તેમની ઓળખ કરવાનું કાર્ય સરળ હતું.
૪) મૃતકોના ડીએનએ સાચવવાની ગોધરામાં કોઈ સુવિધા ન હતી.
પ) ઇતિહાસ જોતાં ગોધરા અમદાવાદ કરતાં વધુ સંવેદનશીલ છે.
આર.બી. શ્રીકુમારે સીટને પત્ર લખ્યો
નરેન્દ્ર મોદી સામે જંગે ચડેલા નિવૃત્ત ડીજીપી આર.બી. શ્રીકુમારે ગુરુવારે સીટને પત્ર લખી પોતાનું સ્ટેટમેન્ટ સીઆરપીસીની ધારા ૧૬૪ હેઠળ નોંધવાનું નિવેદન કર્યું છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે સીટે પોતાના ક્લોઝર રિપોર્ટમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પ૮ અન્ય અધિકારીઓને ક્લીનચીટ આપ્યા બાદ ઘણા રમખાણપીડિતોએ તેમની સમક્ષ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને લઘુમતીઓના કત્લેઆમમાં ક્લીનચીટ આપવાથી હિન્દુ અને મુસ્લિમ અંતિમવાદી તાકાતોને બળ મળશે.
મુસ્લિમ કટ્ટરવાદીઓને યુવકોને ગેરમાર્ગે દોરવામાં ફાયદો થશે અને હિન્દુઓ, કટ્ટરવાદીઓ અને સંઘ પરિવાર એમ સમજી બેસશે કે કાયદો તેમનું કશું જ બગાડી શકે એમ નથી, તેથી તેઓ પોતાનો એજન્ડા જારી રાખશે. તેમણે ઉમેર્યું છે કે, અગાઉ સીટ સમક્ષ તેમણે કરેલી એફિડેવિટ્સ અને આપેલા પુરાવાને ધ્યાનમાં રાખી મારું સીઆરપીસી ૧૬૪ હેઠળ નિવેદન નોંધો, જેથી ગુનેગારોને સજા મળી શકે. તેમણે ગુરુવારે જ લખેલા એક અન્ય પત્રમાં જુલાઈ, ઓગસ્ટ ૨૦૦૯માં સીટ સમક્ષ આપેલા નિવેદનની કોપીની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે, સીટ તેમને કેમ કોપી આપતી નથી અને જો ન આપવી હોય તો કયા કાયદા હેઠળ નથી આપતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સીટ કાયદાથી પર છે..?
મોદી સામેના આરોપ
૧) કારસેવકોના મૃતદેહો અમદાવાદ લવાયા તેથી લોકોની કોમી લાગણીઓ ભડકી હતી અને રમખાણો થયા હતા. આ નિર્ણય નરેન્દ્ર મોદી દ્વારા રાજકીય લાભ ખાટવા લેવાયો હતો.
૨) કોમી રમખાણોના ષડયંત્રમાં નરેન્દ્ર મોદી સામેલ છે.
૩) તોફાનો કંટોલ કરવા મુખ્ય મંત્રી અને પોલીસે કોઈ અસરકાર પગલાં લીધા ન હતા.
૪) અહેસાન જાફરીએ તોફાનીઓ સામે મદદ માંગવા નરેન્દ્ર મોદી અને તત્કાલીન પોલીસ કમિશનર પી સી પાંડેને ફોન કરી મદદ માંગી હતી.
સીટના ક્લોઝર રિપોર્ટના તારણ
(૧) સીટે ક્લોઝર રિપોર્ટમાં કહ્યું છે કે, '૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને આગ લગાવાઈ તે પછી પ૯ કારસેવકોનાં મોત નપજ્યાં હતાં. આ કારસેવકોના મૃતદેહો અમદાવાદ લવાયા તે નિર્ણય ખરો હતો.’ નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સામે પડેલા આઇપીએસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમારે કારસેવકોના મૃતદેહોને અમદાવાદ લાવવાના નિર્ણયને જ કોમી રમખાણો માટે જવાબદાર ઠેરવ્યો હતો.
(૨) સીટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, કોમી રમખાણોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ષડ્યંત્રનો ભાગ નથી. આ તારણ ઉપર આવવા માટે સીટે લગભગ ૧૭૦૦ નિવેદનોનો સહારો લીધો છે.
(૩) ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોને કંટ્રોલ કરવા માટે તંત્ર અને પોલીસે પૂરતાં પગલાં લીધાં છે. એટલું જ નહીં અમદાવાદની સ્થિતિ ખરાબ હોવા છતાં કફ્ર્યુ મોડેથી લદાયો હોવાના આક્ષેપોને પણ સીટે પાયાથી નકારી કાઢયા છે.
(૪)સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લોઝર રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, અહેસાન જાફરીને જીવનું જોખમ હોવાની કોઈ જાણકારી મુખ્યમંત્રી નરેન્દ્ર પાસે નહોતી, તેથી તેમની તથા ગુલબર્ગ સોસાયટી હત્યાકાડમાં લોકોનાં મોત માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં.