સોહરાબુદ્દીન કેસમાં તાજના સાક્ષી બનાવવા માટે ડૉ. નરેન્દ્ર અમીને કરેલી અરજીના મુદ્દે સીબીઆઇ મેજિસ્ટ્રેટ દ્વારા બંધારણીય મુદ્દે હાઇકોર્ટનું માર્ગદર્શન માગવાના મામલાને સીબીઆઇએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. ન્યાયમૂર્તિ અકીલ કુરેશીએ તમામ પક્ષકારોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી ૯મી સપ્ટેમ્બર પર મુકરર કરી છે.
આ સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપી ડૉ. નરેન્દ્ર અમીન તાજના સાક્ષી બનવા માગતા હોવાથી તેમણે કોર્ટ સમક્ષ સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવા દાદ માગી હતી. તે મુદ્દે આ કેસના અન્ય આરોપી ડી.જી. વણઝારા સહિત અન્યોએ તેનો વિરોધ કરતી કરેલી અરજીની સુનાવણી બાદ સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ દ્વારા કેસમાં હાઇકોર્ટનું માર્ગદર્શન માગી કેસની સુનાવણી ૬ઠ્ઠી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી.
તેની સામે સીબીઆઇ દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિટ કરી એવી રજુઆત કરી હતી કે જ્યારે કોઈ આરોપી ગુનાની કબૂલાત કરતો હોય ત્યારે અન્ય આરોપીઓને તેનો વિરોધ કરવાનો અધિકાર નથી. તે બાબત માત્ર કોર્ટ અને નિવેદન આપવા માગનાર આરોપી વચ્ચેની જ છે. માટે અન્ય આરોપીને તેમાં રજૂઆત કરવાનો અધિકાર નથી. બીજી તરફ અમીન દ્વારા તેમને જેલમાં ખતરો હોવાથી જેલ બદલવાની દાદ માગતી અરજી કરવામાં આવી છે.
જો કે તેમાં પણ કોર્ટે હજુ સુધી યોગ્ય નિર્ણય લીધો નથી. જે કેસમાં પણ યોગ્ય હુકમ કરવા કોર્ટને આદેશ કરવાની દાદ માગવામાં આવી હતી. તમામ દલીલો ધ્યાને લઈ કોર્ટે અરજી કરનાર આરોપીઓને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી ૯મી સપ્ટેમ્બર પર મુકરર કરી છે.