આબુમાં તાપમાન ૯, અમદાવાદમાં ૮ ડિગ્રી ગગડયું
એક જ દિવસમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થવા સાથે સમગ્ર રાજ્યમાં શીતલહેર
નલિયા ૬.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
મહત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઓછું હોવાથી દિવસભર લોકો ઠૂંઠવાયા
શિયાળાની ઋતુ બરાબર જામી છે ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ગુરુવારના સરખામણીમાં શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન આઠ ડિગ્રી ઘટી ૨૨. ૬ ડિગ્રીએ પહોંચી જવાની સાથે સાથે સવારથી જ દિવસભર ઠંડા ફૂંકાયેલા પવને જનજીવન બાનમાં લીધું હોય તેવું જણાઇ રહ્યું હતું. બીજી તરફ શુક્રવારે ૬.૮ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાનમાં (દિવસનું તાપમાન) નોંધપાત્ર ઘટાડો થતા લોકોએ દિવસભર કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ૨૪ કલાકમાં જ ૯ ડિગ્રી ગગડીને માઈનસ બેએ પહોંચી ગયો હતો.
ઉત્તરીય રાજ્યોમાં થઇ રહેલી સતત હિમવર્ષાના કારણે દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં પણ શીતલહેર ફરી વળી છે. ભૂજમાં માવઠું પડયાના બીજા જ દિવસથી સમગ્ર પંથકમાં ઠંડીમાં વધારો થવાની સાથે જ નલિયાનું લઘુતમ તાપમાન ઘટી ૬.૮ ડિગ્રીએ પહોંચી જતા નલિયાવાસીઓ ઠૂંઠવાયા હતા. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઓછું નોંધાવાને કારણે દિવસભર ઠંડી વર્તાઇ હતી. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના શહેરોમાં પણ કડકડતી ઠંડીએ લોકોને બાનમાં લીધા હતા. કડકડતી ઠંડીને કારણે રસ્તા પર રહેતા અને કામ કરતા લોકોની હાલત દયનીય બની હતી. ત્યારે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.
ઠંડીએ તેનો અસલી મિજાજ બતાવતા લોકએ દિવસભર ઠંડીથી બચવા સ્વેટરમાં સજ્જ નજરે પડતા હતા અને દિવસભર ફૂંકાયેલા કાતિલ પવનથી બચવા લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. રાત્રે નવ વાગ્યા બાદ તો શહેરમાં જાણે કરફ્યુ લગાવાયો હોય તેવો માહોલ પણ કેટલાક વિસ્તારમાં સર્જાયો હતો. ગાત્રો થીજવી દેતી ઠંડીને કારણે હરહંમેશા ભરચક રહેતા વિસ્તાર પણ સૂના ભાસતા હતા.
તસવીરો: શૈલેષ પ્રજાપતિ/શૈલેષ સોલંકી