જો ટેક્સ ભરતા આમ આદમીના રૂપિયા વેડફાયા હોય તો આગામી ચૂંટણીમાં જનતા તેનો જવાબ આપી શકે : હાઇકોર્ટ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સદભાવના મિશન પાછળ પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે, તેથી ટેક્સ ભરતી પ્રજાના સ્વ પ્રશસ્તિ પાછળ વેડફાયેલા રૂપિયા પાછા મેળવી તેને રાજ્યની તિજોરીમાં જમા કરાવવા જોઇએ, તેવી દાદ માગતી જાહેર હિતની અરજી એડ્વોકેટ રત્ના વોરા દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
આ જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કાર્યકારી ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે પ્રથમ દર્શી રીતે રિટ પિટિશન ગ્રાહ્ય રાખી નહોતી અને કેટલાક સવાલો ઉઠાવી પિટિશન ચુકાદા પર અનામત રાખી હતી.
હાઇકોર્ટની ખંડપીઠે પિટિશનની રજૂઆતો જોતાં એવી ટકોર કરી હતી કે, આ અરજીમાં કરાયેલા આક્ષેપો માટે માત્ર અખબારના અહેવાલોનો આધાર લેવાયો છે. ક્યાંય કોઇ મજબૂત પુરાવા કે રજૂઆત જણાતી નથી એટલું જ નહીં કાયદાએ પણ કોર્ટને એવી સત્તા આપી નથી કે સત્તા પરની સરકારે નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું નિર્દેશ આપે.
આ કાર્યક્રમ માટે ટેક્સ ભરતા આમ આદમીના રૂપિયા વેડફાયા છે, તેવો આક્ષેપ કરાયો છે તો જાહેર જનતા આગામી ચૂંટણીમાં તેનો જવાબ આપી શકે. શું તમે એવું ઇચ્છો છો કે કોર્ટ આ મામલે નિર્ણય લે, અને પોલિસી ઘડનાર સરકારને નાણાં ક્યાં વાપરવા તેનું નિર્દેશ આપે?
આ પિટિશન સંદર્ભે એડ્વોકેટ રત્ના વોરાએ એવી રજૂઆત કરી હતી કે,'મોદીએ સદભાવના મિશનનો કાર્યક્રમ રાજકીય લાભ ખાટવા માટે કર્યો હતો. તેથી તેમને પાર્ટી ફંડમાંથી આ માટેનો ખર્ચ આપવો જોઇતો હતો. ટેક્સ ભરતી સામાન્ય જનતાના રૂપિયાને પોતાના કાર્યક્રમો માટે કેવી રીતે ખર્ચી શકાય. આ અંગે આરટીઆઇ હેઠળ અરજી કરી કેટલીક વિગતો પણ એકત્ર કરવામાં આવી છે.’