સીટ દ્વારા મને બોલાવાશે ત્યારે હું હાજર થઇશ: ગોરધન ઝડફિયા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ઉચ્ચ સ્તરે યોજાયેલી ગુપ્ત બેઠકનાં વટાણાં વેરી નાખ્યાં. ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ ગોધરાકાંડ પછીનાં તોફાનોનો દોષનો ટોપલો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ઢોળી સીધા તેમને જ જવાબદાર ગણાવ્યાં છે. સીટને લખેલા દસ પાનાના પત્રમાં સામેથી સાક્ષી બનવાની તૈયારી દર્શાવનારા ઝડફિયાના આ ચોંકાવનારા ઘટસ્ફોટથી મોદી માટે અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે. ઝડફિયાએ લખેલા લેટરબોમ્બમાં ૨૭ ફેબ્રુઆરી-૨૦૦૨ના દિવસે ઉચ્ચ સ્તરે થયેલી ગુપ્ત બેઠકમાં કોણે શું કહ્યું હતું તે વાતના વટાણા સીટ સમક્ષ વેરી નાખ્યાં હોવાનું મનાય છે.
જો સીટ સમક્ષના નિવેદનમાં ઝડફિયા પોતાની સહીથી મોકલાવેલા પત્રની વિગતોને વળગી રહેશે તો આગામી દિવસો મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે અત્યંત કપરા રહેશે, તેવું સૂત્રોએ જણાવ્યું છે. તાજેતરમાં એસ આઈ ટીએ સુપ્રીમમાં રજૂ કરેલા અહેવાલમાં, ગોરધન ઝડફિયા તથા પોલીસ અધિકારીઓ એમ કે ટંડન અને પી બી ગોંદિયાની વિવાદાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
આ ભૂમિકાને લઈને એસ આઈ ટી ગોરધન ઝડફિયાને સમન્સ પાઠવવાની તૈયારી કરી રહી છે ત્યારે ઝડફિયાએ એસ આઈ ટીને લખેલા પોતાની સહીવાળા ટાઈપ કરેલા પત્રમાં તોફાનો માટે નરેન્દ્ર મોદી પર દોષારોપણ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં, એસ આઈ ટીના વડા ડો આર કે રાઘવન અને એ કે મલ્હક્ષેત્રા ગાંધીનગરમાં છે અને વાય સી મોદી ટૂંક સમયમાં જ આવવાના છે. તેમની હાજરીમાં ઝડફિયાને નિવેદન માટે બોલાવવામાં આવશે.
સીટની તપાસમાં ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સામે ગાળિયો વધારે મજબૂત બન્યો છે. ૨૭ ફેબ્રુઆરીની ગુપ્ત બેઠકમાં શું થયું હતું, કોના આદેશ હતા અને ક્યા પ્રકારના પગલા લેવા જણાવાયું હતું તે વિસ્ફોટક માહિતી સીટને મળી જવા પામી છે. જેના કારણે વહીવટી તંત્રના વડા તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. કારણકે તે માહિતી રમખાણોમાં કોની ગુનાહિત બેદરકારી કે જવાબદારી હતી તે સાબિત કરવા મહત્વની પૂરવાર થઇ શકે છે. આ અગાઉ એકવાર મોદીની પૂછપરછ પણ સીટ દ્વારા કરવામાં આવેલી છે.
રમખાણોમાં કોની ગુનાહિત સંડોવણી હતી તેની તપાસ સીટ માટે મહત્વની
રમખાણોના કેસની તપાસમાં જાકિયા ઝાફરીની અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ મહિનામાં ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા, ડીજીપી એમ.કે. ટંડન અને આઇજીપી પી.બી. ગોંદિયા સામે કાર્યવાહી કરવા સીટને વધારાનો સમય આપ્યો છે. સીબીઆઇના ભૂતપૂર્વ ડાયરેક્ટર આર.કે.રાઘવનને એ બાબત શોધવાની છે કે કોમી તોફાનોમાં કોની ગુનાહિત બેદરકારી અને ગુનામાં સંડોવણી કોની છે.
સીટ દ્વારા જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હાજર થઈશ : ઝડફિયા
ઝડફિયાએ ૧૦ પાનાંના એક પત્રમાં તપાસ એજન્સીને એવું જણાવ્યું છે કે તેઓ કોમી રમખાણોના કેસમાં સાક્ષી બનવા માગે છે. તેમણે સામેથી એવું કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે તેમને ફરીથી સીટમાં બોલાવવામાં આવે. આ અંગે ઝડફિયાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે સીટ દ્વારા આ અગાઉ મને ત્રણ વખત બોલાવવામાં આવ્યો છે.
મેં મારા નિવેદનમાં શું કહ્યું અને મને ક્યા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા તે અંગે મેં મીડિયા કે કોઇ વ્યક્તિ સમક્ષ એક હરફ પણ ઉચ્ચાર્યો નથી, કારણ કે આ મામલો ન્યાયિક છે. ઝડફિયાને સીટમાં હવે ચોથી વખત બોલાવવામાં આવનારા છે પણ તેની તારીખ નિશ્વિત નથી. તેઓ માત્ર એટલું જ કહે છે કે સીટ દ્વારા મને બોલાવવામાં આવશે ત્યારે હું હાજર થઇશ, પરંતુ હું શું કહીશ તે કહેવું મારા માટે અયોગ્ય છે. કાયદો કાયદાનું કામ કરે તેમાં માનું છું.