રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી રાખવામાં આવતા કર્મચારીઓને જો નોકરીના ત્રણ વર્ષ પૂરાં થઇ ગયા હોય તો તેમને છઠ્ઠા પગારપંચનો લાભ આપવા અને વેતન ચૂકવી કાયમી કરવા માટે હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો આદેશ કર્યો છે.
બીજી તરફ જે કર્મચારીને ત્રણ વર્ષ પૂરાં ન થયા હોય તેમને પણ છઠ્ઠા પગારપંચના ધોરણે જ પગાર આપવા આદેશ કર્યો છે. રાજ્ય સરકાર પોતે જ લઘુતમ વેતનધારાનું પાલન નહીં કરતી હોવાની ફરિયાદ સાથે એક સંસ્થા દ્વારા જાહેરહિતની રિટ કરાઇ હતી. હાઇકોર્ટના આ હુકમથી રાજ્યના કુલ અઢી લાખ જેટલા કર્મચારીઓને ફાયદો થશે જ્યારે રાજ્ય સરકાર પર જંગી આર્થિક ભારણ પડશે.
આ કેસની વિગત એવી છેકે શ્રી યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન દ્વારા હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની રિટ કરી એવી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર તેના કર્મચારીઓનું શોષણ કરે છે. સરકારની પગાર ચુકવણીની નીતિ ગેરવાજબી,ગેરબંધારણીય છે. સરકાર આ પ્રકારનો કાયદો ન ઘડી શકે કે જેનાથી ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો છીનવાઇ જાય.
ફરિયાદમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, લઘુતમ વેતન નહીં ચૂકવનારા સામે સરકાર કાયદેસરના પગલાં લે છે ત્યારે આ કિસ્સામાં ખુદ સરકાર જ લઘુતમ કરતાં ઓછો પગાર ચૂકવે છે. ગ્રામમિત્રના કિસ્સામાં તો અસંગિઠત મજૂરોની ચૂકવણીના ત્રીજા ભાગનો પગાર જ ચૂકવાય છે. કર્મચારીઓને જે પગાર મળે છે તે જીવનનિર્વાહ આંકથી ખૂબ ઓછો છે. ભારતીય નાગરિકને વેઠ કે શોષણ કરાવી શકાય નહીં. નિમણુંકના દિવસથી જ પ્રોવિડન્ટ ફંડનો કાયદો લાગુ પડે છે તેનું પણ ઉલ્લંઘન કરાયું છે.
ત્રણ મહિનામાં નિર્ણય લઇ રજિસ્ટ્રારને જાણ કરવી
મુખ્યન્યાયમૂર્તિ એસ.જે.મુખોપાધ્યાય અને ન્યાયમૂર્તિ અકીલ કુરેશીએ નોંધપાત્ર અસર કરતા ચુકાદામાં નોંધ્યું હતું કે ફિક્સ પગાર પરના કર્મચારીઓને ત્રણ વર્ષ થઇ ગયા હોય તો તેમને તત્કાલ કાયમી કરી છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર આપવો.
આ બાબતે ત્રણ મહિનામાં નિર્ણય લઇ તેની હાઇકોર્ટ રજિસ્ટ્રારને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત જે કર્મચારીઓને ત્રણ વર્ષ પૂરા ન થયા હોય તેમને પણ છઠ્ઠા પગારપંચના ધારાધોરણો પ્રમાણે પગાર ચૂકવવા આદેશ કર્યો છે. વર્ગ-૪ અને વર્ગ-૩ના કર્મચારીઓનો પણ તેમાં સમાવેશ થઇ જાય છે.