બ્રાહ્મણોને પણ બ્રાહ્મણનો અધિકાર દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જ મળે છે : દ્વારકેશલાલ મહારાજ
વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પુષ્ટિ પર્વ નિમિત્તે રવિવારે, ષષ્ઠપીઠાધીશ્વર દ્વારકેશલાલ મહારાજના દ્વિતીય પુત્ર શરણમ્કુમારનો યજ્ઞોપવીત સંસ્કાર સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા વલ્લભકુળના ૨૦૦ આચાર્યો સહિતોનું ભવ્ય મિલન થયું હતું.
રાજનગરમાં કલ્યાણરાય પ્રભુના વડોદરા આગમનની શતાબ્દીના શુભ અવસરે પુષ્ટિ પર્વ અંતર્ગત યોજાયેલા આ સમારોહમાં પુષ્ટિ સંપ્રદાયની સાત ગાદીના વલ્લભકુળ આચાર્ય પૈકી પ્રધાનપીઠ નાથદ્વારાના તિલકાપત, તૃતીય ગૃહાધીશ વ્રજેશકુમાર મહારાજ, દ્વિતીયપીઠ ઇન્દોરના કલ્યાણરાય મહારાજ, કોટાના લાલમણિ મહારાજ, પંચમ પીઠાધીશ્વર વલ્લભલાલ મહારાજ તથા ઘનશ્યામલાલ મહારાજ, અમદાવાદના વ્રજેશકુમાર મહારાજ, વડોદરાના ઇન્દિરાબેટી મહારાજ સહિત દેશભરમાંથી વૈષ્ણવાચાર્યો અને વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા અને શરણમ્કુમારને શુભાશિષ આપ્યા હતા. ૪૦થી વધુ એન.આર.આઇ પરિવાર સહિત હજારો વૈષ્ણવોએ આ અવસરનો લહાવો લીધો હતો.
દ્વારકેશલાલ મહારાજે જણાવ્યું હતું કે, બ્રાહ્મણોને પણ બ્રાહ્મણ અધિકાર દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જ મળે છે. યજ્ઞોપવીત સંસ્કાર એ વૈદિક પરંપરા છે. બટુક કે જે દીક્ષા પ્રાપ્ત કરે છે તેને વૈદિક સાધનો, યજ્ઞકાર્ય, ઠાકોરજીને ભોગ ધરાવવાનો, ચરણસ્પર્શ આપવાનો તથા સંપ્રદાયનો પ્રચાર- પ્રસાર કરવાનો અધિકાર મળે છે.