- મહેળાવ ગામની ઘરફોડમાં પાદરનો તસ્કર નીકળ્યો
- શંકાસ્પદોની પુછપરછમાં ગામનાં રસિકનું નામ ખુલ્યું
પેટલાદ તાલુકાનાં મહેળાવ ગામમાં બંધ મકાનમાંથી ચાલીસ હજારની ચોરી કરનાર ઇસમને મહેળાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડી ચોરીનો મુદામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેળાવ પોલીસ સબ ઈન્સપેકટર વી.ડી.મહીડાના જણાવ્યાં મુજબ મહેળાવમાં ટી પોઇન્ટ પાસે રહેતા ભાવિનભાઇ ગોરધનભાઇ પટેલ ગત તા.૧૯-૧૨-૧૧ના રોજ માતરનાં ત્રાજ ગામે લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. આ દરમિયાન કોઇ તસ્કર ઇસમ તેઓનાં મકાનનાં દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ તેમ જ ડીવીડી મળી કુલ ચાલીસ હજારની મતા ચોરી પલાયન થઇ ગયો હતો.જે અંગે ભાવિનભાઇની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.’
તપાસ સંદર્ભે વધુમાં પીએસઆઇએ જણાવ્યુ હતું કે ‘ચોરીમાં કેટલાક શંકાસ્પદોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મહેળાવ ગામના જ કેટલાક ઇસમોની કડક હાથે પુછપરછ કરવામાં આવી હતી. જેમાં બનાવનાં સમયે વાઘરીવાસમાં રહેતો રસિકભાઇ કાંતિભાઇ તળપદા ઘરે ન હોવાનું બહાર આવ્યું હતું.
જે આધારે રસિકને બોલાવી તેની પુછપરછ કરવામાં આવી હતી. તેમ છતાં તે કાંઇ ન બોલતાં તેનાં ઘરે જઇ ઘરની સઘન ચકાસણી કરતાં ચોરીનો ભેદ ખુલ્યો હતો. જેમાં અગાસીમાં કોથળામાં છુપાવેલ રોકડ તેમ જ ડીવીડી કબજે લઇ ચોરીનાં ગુનામાં રસીકભાઇ તળપદાની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે તેને જેલના હવાલે કરવાનો હુકમ કરતાં ખંભાત કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો.’
...એટલે રસિક ભાંગી પડ્યો
‘આરોપી રસિક તળપદાનાં ઘરની તલાસી લેવામાં આવતાં અનાજ રાખવાનાં નાના ડબ્બામાંથી એક મોંઘાદાટ બુટની જોડી મળી આવી હતી. રસિકના ઘરની સ્થિતિ જોતાં તે આટલા મોંઘા બુટ ખરીદી શકે તેમ ન હોઇ આ બુટ બાબતે તેની કડક હાથે પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તે ભાંગી પડ્યો અને હાથનાં કસબનાં ગુનાની કબુલાત કરી લીધી હતી.’ - વી.ડી. મહીડા, પોસઈ, મહેળાવ.