સાણંદ-વિરમગામ હાઇવે પર બુધવારે બપોરે ૩ વાગ્યે ઇન્ડિગો કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. હાઇવે પર ચાલી રહેલા સમારકામને પગલે રસ્તો સાંકડો હોઈ અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ માની રહી છે. બીજી તરફ અકસ્માત બાદ મોડી સાંજ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
સાણંદ-વિરમગામ હાઇવે પર બુધવારે બપોરે ૨.૪૫ વાગ્યે વાસણાગામ નજીક હાઇવે પરથી એક પેસેન્જર રિક્ષા પસાર થઇ રહી હતી. જેને સામેથી પૂરપાટ આવી રહેલી ઇન્ડિગો કારના ચાલકે અડફેટે લેતાં રિક્ષા પેસેન્જર સહિત રસ્તાની બાજુ પરના આશરે દસ ફૂટ ઊંડા ખાડામાં ફંગોળાઇને પડી હતી અને ભંગારમાં ફેરવાઇ ગઇ હતી. જ્યારે કાર પણ ફિલ્મી ઢબે પલટી ગઇ હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં સવાર વિનુભાઇ બીજલભાઇ વાઘેલા, સલીમ ઉર્ફે મુન્નો સુલતાનભાઇ (ઉં.૩૨, રહે. સાણંદ), દેવરાજ રણછોડભાઇ ભરવાડ (ઉં.૭૦, રહે. ઇયાવા, સાણંદ) નું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જ્યારે ઘટના જોઇ દોડી આવેલા રાહદારીઓએ ત્રણ વ્યક્તિઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુલતાન ઇસબભાઇ ઘાંચી (રહે.સાણંદ)નું પણ મોત નીપજ્યું હતું.
જ્યારે અન્ય બેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સાણંદ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.