અ'વાદના ઈતિહાસમાં પ્રથમ ઘટના: ૯૦.૭૧ લાખ માટે ૨૦ મિનિટનો 'ખેલ'

- જ્વેલરી શોરૂમમાંથી ૨૦ મિનિટમાં ૯૦.૭૧ લાખની મતા ચોરાઈ - વસ્ત્રાલમાં થયેલી ચોરીમાં જવેલર્સનો પિતરાઈ ભાઈ જ ચોર નીકળ્યો
- વેરા સામેના રીતાનગર બસ સ્ટેન્ડ પાસેની ઘૂંઘરૂ જવેલર્સના આઠ તાળા તૂટ્યા
શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુને વધુ કથળતી ગઇ છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં તો પોલીસનો ગુનેગારો ઉપર જરા પણ અંકુશ નહીં રહેતા ગુનેગારોને મોકળું મેદાન મળ્યું છે. રામોલ વિસ્તારમાં મેન રોડ ઉપર આવેલા ઘૂંઘરુ જવેલર્સ નામના શો રૂમમાંથી તસ્કરો ૨૦ જ મિનિટમાં ૨ કિલો ૮૦૦ ગ્રામ સોનું,૧૨ કિલો ગ્રામ ચાંદી,રોકડા રૂ.૧.૧૬ લાખ અને સીપીયુ મળીને કુલ રૂ.૯૦.૭૧ લાખની મતા લઇ જતાં પોલીસ દોડતી થઇ છે. અમદાવાદના ઈતિહાસમાં જવેલર્સના શો રૂમમાંથી આટલી મોટી ચોરી થવાની કદાચ આ પ્રથમ ઘટના છે. જો કે પોલીસે દુકાનમાં લાગેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ખુદ દુકાન માલિકનો કુટુંબીભાઇ અને તેનો મિત્ર જ ચોરી કરી ગયા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે બંનેને પકડવા તજવીજ શરૂ કરી છે.
મૂળ બનાસકાંઠાના પાટણના વતની અને હાલમાં નરોડા કૃષ્ણનગર અરિહંત સોસાયટીમાં રહેતા હાર્દિકભાઇ ઉર્ફે લાલો દિનેશકુમાર વાલાણી(૨૩) વસ્ત્રાલ વેરા સામે આવેલા રીતાનગર બસ સ્ટેન્ડ પાસે ઘૂંઘરુ જવેલર્સ નામનો સોના-ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવે છે.હાર્દિકભાઇ અપરિણીત છે જ્યારે તેમના માતા-પિતા વતનમાં રહે છે.
હાર્દિકભાઇની દુકાનની બાજુમાં પાનનો ગલ્લો ધરાવતા રાજુભાઇએ સોમવારે સવારે ૭.૩૦ વાગ્યે હાર્દિકભાઇને ફોન કરીને તેમની દુકાનના તાળાં તૂટેલાં હોવાની જાણ કરી હતી. જેથી હાર્દિકભાઇ તાબડતોડ દુકાને આવી પહોંચ્યા હતા અને જોયું તો તસ્કરો તેમની દુકાનમાંથી ૨૮૦૦ ગ્રામ સોનાના દાગીના તેમજ સોનાનું રો મટિરિયલ( રૂ.૮૪ લાખ),૧૨ કિલો ચાંદીના વાસણો(૫.૫૦ લાખ),રોકડા રૂ.૧.૧૬ લાખ અને સીપીયુ(૫૦૦૦)મળીને કુલ રૂ.૯૦.૭૧ લાખની મતા લઇ ગયા હતા.
આ અંગે હાર્દિકભાઇએ પોલીસને જાણ કરતા રામોલ પીઆઈ સી.એલ.સોલંકી તેમજ એસીપી સી.એન.રાજપૂત સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ અંગે હાર્દિકભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પોલીસે દુકાનની અંદર લાગેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં બનાસકાંઠાના થરામાં રહેતો હાર્દિકનો કુટુંબીભાઇ રવિ શૈલેષભાઇ શાહ અને તેના મિત્ર જગી જૈનની ચોરી કરતી તસવીરો કેદ થઇ ગઇ હતી. જેના આધારે હાર્દિકભાઇએ બંનેના નામ જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ ચોરીની ઘટનામાં કેટલીક બાબતો પોલીસને શંકા ઉપજાવે તેવી હોવાથી પોલીસે ઊલટતપાસ પણ શરૂ કરી છે.
શું-શું ચોરાયું :
૨.૮ કિલો સોનું : ૮૪ લાખ
૧૨ કિલો ચાંદી (વાસણો): ૫.૫૦ લાખ
રોકડા ૧.૧૬ લાખ
સીપીયુ : ૫ હજાર
અમદાવાદમાં જવેલર્સના શોરૂમમાંથી આટલી મોટી ચોરીની સંભવત: પ્રથમ ઘટના
શૈલેષે દુકાનની અસલ ચાવીઓ ચોરી લીધી હતી :
રવિ શનિવારે રાતે હાર્દિકને મળવા તેના ઘરે ગયો હતો. ત્યારે ગમે તે રીતે તેણે હાર્દિકની દુકાનની ચાવીઓ ચોરી લીધી હતી. ત્યારબાદ સોમવારે સવારે ૨૦ જ મિનિટમાં મિત્ર જગી સાથે મળીને દુકાનના આઠ તાળાં ખોલી તેમાંથી રૂ.૯૦.૭૧ લાખની મતા ચોરી ગયો હતો.
સીસી ટીવીથી મિનિટોમાં આરોપી ઓળખાયો :
ચોરી થઇ હોવાની જાણ થતાં રામોલ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આટલું જ નહીં એફએસએલ,ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી હતી. જો કે સીસી ટીવી કેમેરાથી મિનિટોમાં જ આરોપીઓ ઓળખાઇ ગયો હતો.
આરોપીઓને પકડવા ટીમ થરા જવાના રવાના થઇ :
હાર્દિકભાઇની દુકાનમાં લાગેલા સીસી ટીવી કેમેરામાં બંને ચોર રવિ અને જગીની તસવીરો કેદ થઇ ગઇ હતી.જેથી બંનેને પકડવા માટે રામોલ પોલીસની એક ટીમ થરા રવાના થઇ છે. જો કે બેમાંથી એક પણ આરોપી થરાથી નહીં મળતાં પોલીસ ખાલી હાથે પાછી ફરી હતી.







