ગુજરાતની આઠ પેઢીઓ દ્વારા શિવચરણ હેડા તથા પત્ની દીપાને કરોડો R ટ્રાન્સફર કરાયા હતા. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ખાણપ્રવૃત્તિ માટે વિસ્ફોટકો સપ્લાય કર્યાની આશંકા. રાજસ્થાનથી મધ્યપ્રદેશ જવા નિકળેલી R ચાર કરોડના વિસ્ફોટકો ભરેલી ૧૬૪ ટ્રકો ગાયબ થવાના સનસનાટી ભર્યા કેસમાં ભીલવારા પોલીસે અમદાવાદના થલતેજમાંથી મુખ્ય એજન્ટ મનાતા શિવચરણ હેડા અને તેની પત્ની દીપાને ઝડપી લીધા હતા. જન્માષ્ટમીની સાંજે ધરપકડ કરાયેલા આ દંપતિએ વિસ્ફોટકોના વેચાણમાં વચેટિયાની ભૂમિકા ભજવી હોવાનું તથા તેમની માથે R ૧૦,૦૦૦નું ઈનામ હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ પૂછપરછમાં દંપતિના જણાવ્યા મુજબ, વિસ્ફોટકો મેળવવા માટે ગુજરાત અને તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આઠ પેઢીઓમાંથી તેમના નામે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. ગુજરાત પોલીસને શંકા છે કે, મોટા ભાગના પૈસાની લેવડદેવડ ગુજરાતમાંથી થઈ હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં પણ વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવો જોઇએ. આ અંગે વધુ તપાસ માટે ગુજરાત પોલીસની એક ટીમ રાજસ્થાન જવા રવાના થશે. રાજસ્થાન પોલીસે ભીલવારાની કોર્ટમાં એજન્ટ દંપતીને રજુ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
નોંધનીય છે કે, એપ્રિલથી જુન માસ દરમિયાન પ્રથમ તબક્કામાં R ૧.૩ કરોડની કિંમતની જીલેટીન સ્ટિક, વિસ્ફોટકો અને ડીટોનેટર્સ ભરેલી ૬૧ ટ્રક ગાયબ થઈ હતી અને બીજા તબક્કામાં રૂ ૨.૭ કરોડની કિંમતના વિસ્ફોટકો ભરેલી ૧૦૩ ટ્રક રહસ્મય રીતે ગુમ થઈ હતી.
એકાએક ટ્રકો ગાયબ થતાં આ વિસ્ફોટકોનો ઉપયોગ નકસલી કે આતંકવાદી પ્રવૃત્તિ માટે થવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. પરંતુ બાદમાં ખાલી ટ્રકો રાજસ્થાનના રાયગઢમાંથી મળી આવતાં આ કેસમાં ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં તત્વોની સંડોવણી પ્રકાશમાં આવી હતી. જેથી વિસ્ફોટકોની તપાસ માટે મધ્યપ્રદેશના બીયોરા, રાજસ્થાનના ભીલવારા, ધોલપુર, ગુજરાતના રાજકોટ અને મહારાષ્ટ્રના અહેમદનગરની પોલીસની ટીમો કામે લગાડવામાં આવી હતી.
દરમિયાન ભીલવારા પોલીસને બાતમી મળી હતી કે , સમગ્ર પ્રકરણમાં વચેટિયાની ભૂમિકા ભજવીને વિસ્ફોટકોનો જથ્થો જુદી જુદી વ્યક્તિઓને વેચનારા મધ્યપ્રદેશ અને અહેમદનગરમાં બે અલગ અલગ પેઢી ધરાવતા દંપતી શિવચરણ હેડા અને દીપા હેડા, કાયદાકીય સલાહ લેવા માટે બે-ત્રણ દિવસથી અમદાવાદ થલતેજમાં છે.
જેથી તેમને ઝડપી લેવા માટે ભીલવારા એસ ટી એફ ( સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) અમદાવાદ આવી પહોંચી હતી અને ઝોન-૧ના ડીસીપી બ્રજેશકુમાર ઝાની મદદથી સેટેલાઈટ અને વસ્ત્રાપુર વિસ્તારમાં બે વાર નિષ્ફળ દરોડા પાડ્યા હતા. બાદમાં જન્માષ્ટમીની સાંજે ભીલવારા પોલીસે બાતમીના આધારે શિવચરણ હેડા અને દીપા હેડાને થલતેજમાંથી પકડી લીધાં હતાં અને તુરત જ ભીલવારા જવા રવાના થયા હતા.
ડીસીપી ઝોન-૧ બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે, પૈસાની લેવડ દેવડ ગુજરાત મારફતે થઈ હોવાથી વિસ્ફોટકોનો જથ્થો ગુજરાતમાં ક્યાંક સપ્લાય થયો કે પછી ટ્રેડિંગ ગુજરાત મારફતે થયું હોવાની પ્રબળ આશંકા છે. તેઓ રાજસ્થાન પોલીસના સંપર્કમાં છે અને દંપતી અંગે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે.