બોગસ દસ્તાવેજોના આધારે ગુજરાતમાં શરૂ થયેલી કોલેજની તપાસ
સુરતની એક કોલેજમાં પણ સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
રાજ્યની બોગસ દસ્તાવેજોને આધારે શરૂ થયેલી કેટલીક એન્જિનિયરિંગ કોલેજો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનના રડારમાં હોવાનું જાણવા મળે છે. ગુરુવારે જ સુરતની એક સ્વામી આત્માનંદ એન્જિનિયરિંગ કોલેજમાં સીબીઆઇ દ્વારા તપાસ કરાઈ હતી અને આગામી દિવસોમાં વધુ એન્જિનિયરિંગ કોલેજોમાં તપાસનો ધમધમાટ જોવા મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
એઆઇસીટીઇ દ્વારા રાજ્યમાં એન્જિ. કોલેજોની મંજૂરી આપવાની કાર્યવાહી અગાઉ હાથ ધરી હતી. જેમાં તપાસ માટે એઆઇસીટીઇના કન્વીનર તરીકે કોહલી નામની વ્યક્તિ ગુજરાતની ચાર-પાંચ કોલેજોમાં આવી હતી. જોકે તેમણે જે કોલેજોમાં તપાસ કરી મંજૂરી આપી હતી તે કોલેજ પૈકી સૌરાષ્ટ્રની ગોપાલ ભુવાની કોલેજ પર અગાઉ સીબીઆઇએ રેડ પાડી હતી જેમાં તે બોગસ દસ્તાવેજના આધારે કોલેજ ઊભી થઇ હોવાનું બહાર આવ્યું હતું.
ત્યાર બાદ એઆઇસીટીઇના નવા ચેરમેન તરીકે એસ.એસ. મંથાના આગમન બાદ તેમણે બોગસ દસ્તાવેજોના આધારે ઊભી થયેલી કોલેજો સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યુ હતું. જેના ભાગરૂપે ગુજરાતની જે કોલેજોમાં કોહલી કન્વીનર તરીકે ગયા હતા તેમાં તપાસ કરાવવાનું નક્કી કરાયું હતું. જેમાં સુરતની એક એન્જિનિયરિંગ કોલેજમાં પણ તેઓ તપાસ માટે ગયા હોઇ સીબીઆઇ દ્વારા ગુરુવારે તે કોલેજમાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
દરમિયાન હજુ ગુજરાતની ત્રણ જેટલી કોલેજો એઆઇસીટીઇના રડારમાં હોઇ તેમાં આગામી દિવસોમાં તપાસનો ધમધમાટ જોવા મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સુરતની કોલેજ બાદ રાજ્યની અન્ય કોલેજો પર પણ સીબીઆઇના દરોડા પડે તેવી શક્યતા એઆઇસીટીઇનાં સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. સંભવત: નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં રાજ્યની જે જે કોલેજ પર શંકા હશે ત્યાં તપાસ કરાવાશે અને જો બોગસ દસ્તાવેજો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવશે તો એવી કોલેજો પર સીબીઆઇ દ્વારા દરોડાની કાર્યવાહી કરાનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.