આશ્રમરોડ વિસ્તારની સી.યુ. શાહ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ વર્તનની ફરિયાદ બાદ સસ્પેન્ડ કરાયેલ અધ્યાપક પ્રો. આર.બી.ભરવાડને ફાજલ જાહેર કરાયા છે. ફાજલ અધ્યાપક તરીકે તેમની સુરતની એક કોલેજમાં નિમણુંકની હિલચાલ ચાલી રહી હોવાની શિક્ષણજગતમાં હાલમાં ચર્ચા છે.
આ અંગે શિક્ષણ વિભાગનાં સૂત્રોમાં થતી ચર્ચા મુજબ આશ્રમરોડ વિસ્તારની સી.યુ. શાહ સાયન્સ કોલેજમાં ઝૂઓલોજી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા રતિભાઈ બી. ભરવાડની સામે કોલેજની વિદ્યાર્થિનીઓએ બીભત્સ વર્તન અંગેની લેખિતમાં ફરિયાદ કોલેજ સત્તાવાળાઓને કરી હતી. આ અંગે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને કોલેજના ટ્રસ્ટીમંડળે અધ્યાપકને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ અંગે પ્રો. ભરવાડને શોકોઝ નોટિસ અપાઈ છે. જેમાં અધ્યાપકને તપાસ માટે તૈયાર રહેવાની પણ સૂચના પણ આપી દેવામાં આવી છે. અધ્યાપકની સામે તપાસ કમિટી બેસાડવાની કાર્યવાહી શરૂ કરાશે. જો કે બાદમાં પ્રો. ભરવાડને ફાજલ કરાયા છે. આ અધ્યાપકને સુરતની એક કોલેજમાં નિમણુંક અંગેની હિલચાલ ચાલી રહી છે.