- ઇન્કમટેક્સના ડિફોલ્ટર એલ.ટી. ઠક્કરનો બંગલો ૩.૫૫ કરોડમાં વેચાયો
ઇન્કમટેક્સના ડિફોલ્ટર લક્ષ્મીનારાયણ તુલસીદાસ ઠક્કરની રૂ.૨૦.૩૭ કરોડની ડિમાન્ડ સામે ઇન્કમટેક્સ વિભાગે તેના મણિનગરમાં બાલવાટિકા ખાતે આવેલા બંગલાની જાહેર હરાજી યોજી હતી. આ હરાજીમાં બંગલાના રૂ.૩.૫૫ કરોડની સૌથી ઊંચી બોલી લગાવાઈ છે. આ બોલી લગાવનારા રાજેન ડી. ઠક્કરને ડિપાર્ટમેન્ટે આ બંગલો વેચી દીધો છે.
શરત મુજબ રાજેન ડી. ઠક્કરે બંગલાની કિંમતના ૨૫ ટકા રૂ.૮૮.૭૫ લાખ ચૂકવી દીધા છે. ડિપાર્ટમેન્ટના વેલ્યુઅરે આ બંગલાની કિંમત ૧.૭૭ કરોડ આંકી હતી. ઇન્કમટેક્સ વિભાગે ૧૯૯૬માં એલ.ટી. ઠક્કરની પેઢી પર દરોડા પાડ્યા હતા. આ દરોડાના એસેસમેન્ટ બાદ આ ગ્રૂપ પર રૂ.૨૦.૩૭ કરોડની ડિમાન્ડ ઊભી કરાઈ હતી.
આ ડિમાન્ડમાં તેમણે ૬.૫૩ કરોડનો ટેક્સ ભર્યો નથી. આ ટેક્સ ન ભરવાના કારણે ડિપાર્ટમેન્ટે બાલવાટિકા પાસેનો એલ.ટી. હાઉસ, ૬૪-એ તુલસીબાગ બંગલો ટાંચમાં લીધો હતો. આમ છતાં આ ડિફોલ્ટર ટેક્સ ભરવા માટે તૈયાર ન થતાં ડિપાર્ટમેન્ટે જરૂરી પ્રક્રિયા બાદ આ બંગલાની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. આ હરાજીની જાહેરાતમાં ૨૫ લોકોએ બીડ કરી હતી.
આ બીડમાં રાજેન ડી. ઠક્કરે સૌથી ઊંચી રૂ.૩.૫૫ કરોડની બોલી લગાવી હતી. આ બોલી મુજબ બંગલો તેમને વેચી દેવાનો ડિપાર્ટમેન્ટે નિર્ણય લીધો છે, જેમાં નિયમ મુજબની રૂ.૮૮.૭૫ લાખ તેમણે ભરી દીધા છે. બાકીના રૂ.૨.૬૬ કરોડ ૧૭મી ફેબ્રુઆરી સુધીમાં ભરી દેવાના રહેશે.
૨૦.૩૭ કરોડનું લેણું એલ.ટી. ઠક્કર પાસેથી નીકળતું હતું
૬.૫૩ કરોડનો ટેક્સ એલ.ટી. ઠક્કરે ભર્યો નહોતો
૧.૭૭ કરોડની વેલ્યુ આઇટીના વેલ્યુઅરે આંકી
૩.૫૫ કરોડની સૌથી ઊંચી બોલી રાજેન ડી. ઠક્કરે બોલી