ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મેડિકલ ક્ષેત્રમાં બિનહરીફ ઉમેદવાર ડો. કેતન દેસાઇની ઉમેદવારી રદ કરવા દાદ માગતી અરજી અરજદારને પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. સુપ્રિમના જસ્ટિસ એચ.એલ. દત્તુ અને જસ્ટિસ ચંદ્રમૌલિ કે.આર. પ્રસાદની ખંડપીઠ સમક્ષ નીકળેલી સુનાવણીમાં એફઆરઆઇથી કોઇ ગુનેગાર બની જતું નથી મુખ્ય દલીલ રહી હતી. એટલું જ નહીં પણ જો એફઆઇઆરથી ગુનેગાર બની જતા હોય તો ભારતમાં ચૂંટણી થઇ શકે જ નહીં એવી પણ ટકોર થઇ હતી.
એમસીઆઇના સભ્ય તરીકે અને પ્રમુખ તરીકે ડો. કેતન દેસાઇએ વર્ષો સુધી રહ્યા હતા. થોડા વખત પહેલા સીબીઆઇ કાર્યવાહી ચર્ચાનો મુદ્દો બન્યો હતો પરંતુ તે દરમિયાન ગુજરાત યુનિર્સિટીની સેનેટની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં ડો. કેતન દેસાઇએ પણ મેડિકલ ક્ષેત્રમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ બિનહરીફ ઉમેદવાર જાહેર થયા હતા.
પરંતુ અમેરિકા સ્થિત ડો. કૃણાલ સહાએ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગી હતી કે ડો. કેતન વિરુદ્ધ એફઆરઆઇ હોવાથી તેમની ઉમેદવારી રદ થવી જોઇએ. પરંતુ હાઇકોર્ટે બંધારણ મુજબ એફઆઇઆર થવાથી કોઇ ગુનેગાર બની જતો નથી અને વિદેશમાં બેઠાબેઠા કોઇ આ રીતે કોર્ટનો સમય બગાડે તે હરકત ચલાવી લેવાય નહીં તેમ કહીને અરજી કાઢી નાંખી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમમાં અરજી કરી હતી.
હવે શું થશે ?
ડો. કેતન દેસાઇને ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર બનવાનો માર્ગ મોકળો થઇ ગયો. જોકે, સુપ્રીમે યોગ્ય ફોરમમાં રજૂઆત કરવાનો વિકલ્પ આપ્યો છે. જે મુજબ ડો. કૃણાલ સહાની ગવર્નર સમક્ષ રજૂઆત કરી શકે છે.
કાયકાદીય સલાહ લેવાશે
ડો. કેતન દેસાઇના મામલે હજુસુધી અધિકૃત જાણકારી અમારી પાસે આવી નથી પરંતુ કાયદા વિભાગની સલાહ લેવાશે. પછી આગળ શું કરવું તે નક્કી થશે. - ડો. પરિમલ ત્રિવેદી, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી